(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જાહેરનામુ બહાર પાડ્યું છે. આ પ્રથમ તબક્કાના મતદાનના જિલ્લાઓમાં ૩૯ ખર્ચ નિરીક્ષકો અને પ૬ સામાન્ય નિરીક્ષકો મળીને કુલ ૯પ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે જેઓ ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ અને ચૂંટણીની અન્ય પ્રક્રિયા ઉપર દેખરેખ રાખશે. એમ ચૂંટણી પંચે જણાવ્યું હતું. ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પંચે જાહેરનામુ બહાર પાડી જુદા-જુદા નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જાહેરનામાની તારીખ ૧૪ નવેમ્બર ર૦૧૭થી પ્રથમ તબક્કાના મતદાન માટે ૩૦પ સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટીએસ) કાર્યાન્વિત કરવામાં આવી છે. રાજ્યભરમાં આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂા.પ૦ લાખની રોકડ અને રૂા.૭.૩૩ કરોડનું સોનું અને ઝવેરાત જપ્ત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા રૂા.૪ર,૭૦૦નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ર૦૧૭ દરમિયાન ચૂંટણી ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તે મતદાર વિભાગમાં જ ચૂંટણી ફરજ પર નિયુક્ત કરવામાં આવે તે સંજોગોમાં તેઓ ચૂંટણી ફરજ પ્રમાણપત્ર (ઈડીસી) દ્વારા મતદાન કરી શકશે. જ્યારે મતદાર તરીકે નોંધાયેલ હોય તે સિવાયની અન્ય કોઈ મતદાર વિભાગમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત કરવામાં આવે તેના માટે ટપાલ મતપત્ર (પોસ્ટલ બેલેટ) દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી ફરજ પ્રમાણપત્ર (ઈડીસી) તથા ટપાલ મતપત્ર (પોસ્ટલ બેલેટ) મતદાન માટેની અરજીઓના ફોર્મ ઈસ્યુ કરવા, ભરેલ ફોર્મ પરત મેળવવા તથા ચૂંટણી સ્ટાફની તાલીમના કેન્દ્રો ખાતે ટપાલ મતદાન પ્રક્રિયા માટે મતદાન કેન્દ્રની સુવિધાઓ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં કુલ પ૬,૪૩૯ પરવાનેદાર હથિયાર ધારકો છે. જે પૈકી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે રચાયેલી સ્થાનિક રિવ્યુ કમિટી દ્વારા સમીક્ષા બાદ કુલ ૪૮,૮પ૭ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે, જ્યારે ૩૩૩ પરવાના રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચૂંટણી સંબંધી તકેદારીના પગલાંના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કુલ ર૮,૪રપ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત, રાજ્યમાં અસુરક્ષા ઊભી કરે તેવા ૭૧૪ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યભરમાંથી વિવિધ સંસ્થા-અરજદારો દ્વારા આચારસંહિતા અંગેની ૪૪ રજૂઆતો મળી છે. જેમાંથી ર૦ રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય રજૂઆતોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તા.૧-૭-૧૭ના રોજ મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો તે સમયે રાજ્યમાં કુલ પ૦,૧ર૮ મતદાન મથકો હતા. ત્યારબાદ તા.રપ-૯-૧૭ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તે સમયે મતદારોની સંખ્યામાં વધારો થયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં મતદાન મથક ખાતે નોંધાયેલા મતદારોની સંખ્યા ૧રપ૦થી વધી જતી હોય. તેમજ શહેરી વિસ્તારમાં આવી સંખ્યા ૧૪૦૦થી વધી જતી હોય તેવા દરેક મતદાન મથક ખાતે પુરક મતદાન મથક આપવાનું રહે છે. જિલ્લા ચૂંટણી અધિકરીઓ તરફથી તદ્‌નુસાર કુલ ૧૧૯ પૂરક મતદાન મથકોની દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જે દરખાસ્તને ભારતના ચૂંટણી આયોગે માન્ય રાખેલ હોઈ રાજ્યમાં હાલ કુલ પ૦,ર૪૭ મતદાન મથકો થાય છે.

ચૂંટણીમાં એક લાખથી વધુ શાહીની બોટલોનો ઉપયોગ થશે

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં કોઈ મતદાર બીજીવાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ચૂંટણી તંત્ર દ્વારા અવિલોપ્ય શાહીથી આંગળી પર નિશાની કરવામાં આવે છે. આ નિશાની સામાન્ય રીતે દરેક મતદારના ડાબા હાથની પહેલી આંગળી પર નખની ટોચથી લઈને પ્રથમ વેઢાના સાંધા સુધી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા ભારતીય ચૂંટણી તંત્રની સૂચના અનુસાર કરવામાં આવે છે. આ અવિલોપ્ય શાહી મૈસૂરથી મંગાવવામાં આવે છે. આ શાહીની ખાસિયત એ છે કે, જે મતદારની આંગળી પર એક વખત લગાવ્યા બાદ લાંબા સમય સુધી રહે છે. તેના કારણે એક જ મતદાર દ્વારા બીજી વખત મતદાન કરવાની સંભાવના રહેતી નથી. રાજ્યના પ૦ હજારથી વધુ મતદાન મથકો પર આ શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીની ૧૦ મિ.લી.ની એક બોટલ એવી અંદાજે ૧.૧૧ લાખ બોટલનો ઉપયોગ કરવામાં આવશે.