અમદાવાદ,તા. ૨૫
શંકરસિંહ વાઘેલાના નેતૃત્વવાળા જન વિકલ્પ મોરચાનું ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે અને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જન વિક્લ્પ મોરચો ટ્રેકટરના ચિહ્ન પર ચૂંટણી લડશે. એટલે કે વિધાનસભા ચૂંટણીમાં મતોની ખેતી કરવા શંકરસિંહ વાઘેલાએ ‘ટ્રેક્ટર’ ભાડે લીધું છે. જો કે ચૂંટણી બાદ ઈલેકશન કમિશન દ્વારા જન વિકલ્પને નવું ચિહ્‌ન અપાશે. ભાજપ અને કોંગ્રેસના ખરીદ વેચાણ સંઘના તમાશાથી પ્રજા કંટાળી ગઇ છે અને હવે તેમની સામે તેમની તમામ સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે જન વિકલ્પ મોરચાનો ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ છે. ગુજરાતની જનતાએ મેરીટના ધોરણે સારા ઉમેદવારોને પસંદ કરી ચૂંટી કાઢવા જોઇએ એમ જન વિકલ્પ મોરચાના સંયોજક શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બુધ્ધપ્રકાશ શર્માએ આજે જન વિકલ્પ મોરચાને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો અને આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીનું ઉપરોકત ચિહ્ન ઉપયોગ કરવા માટે બાપુને સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે બધા ઉમેદવારો પ્રજાને એવી રીતે ભરમાવે છે કે, તેમના તમામ દુઃખોની દવા તેઓ છે પરંતુ ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ પ્રજાને ભૂલી જાય છે. આવા પ્રજાને ભરમાવતા લેભાગુ ધારાસભ્યોથી પ્રજાએ ચેતવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, જો તેમની સરકાર આવશે તો, સરકાર વિધવાઓ, નિઃસહાય વૃધ્ધો માટે માસિક રૂ.પાંચ હજારનું પેન્શન આપશે, સરપંચો માટે હાથખર્ચીના રૂ.પાંચ હજાર આપશે.તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ આગામી ચૂંટણીમાં તેમની સાથે સામેલ કરવાની તૈયારી દર્શાવી હતી અને જણાવ્યું હતું કે, જે બેઠક પરથી આપના ઉમેદવારો જીતી શકે તેમ હોય તો તે બેઠક પર અમે અમારા ઉમેદવાર નહી ઉભા રાખીએ.