અમદાવાદ, તા.૧૯
કોંગ્રેસ પાર્ટી સામે બળવો કરી પાર્ટી છોડી દેનાર શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડશે તેવી ચર્ચાઓ હતી. પણ શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસ છોડવાનો કોઈ ફાયદો તો ન જ થયો અને કોંગ્રેસને તેઓ નુકસાન પણ ન પહોંચાડી ચૂંટણીમાં સફળતા મળી નથી શક્યા. તેવી ચર્ચાઓ થવા લાગી હતી. ‘જનવિકલ્પ’ પણ સ્થાયી ચૂંટણી જીતવા નીકળેલા બાપુને અન્ય પાસેથી ભાડે લીધેલ ટ્રેક્ટરના ચૂંટણી ચિહ્ન અને ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના નેજા હેઠળ ચૂંટણી લડનાર શંકરસિંહનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમમાં ભાજપ-કોંગ્રેસે તો મહેનત મુજબ પાક લણ્યો જ્યારે શંકરસિંહ બાપુનું ‘ટ્રેક્ટર’ મતોની ખેતી ન કરી શકતા તેમની મહેનત એળે ગઈ છે. ઓગસ્ટ-ર૦૧૭માં કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર ન કરતા શંકરસિંહ વાઘેલાએ પાટી વિરૂદ્ધ બળવો કર્યો હતો અને પાર્ટી છોડી દઈ. નવા પક્ષ “જન વિકલ્પ”ની સ્થાપના કરી ચૂંટણીની જંગમાં જંપલાવ્યું હતું. ત્યારે તેમના પક્ષને મંજૂરી ન મળતા તેમણે ભાડાના ચિહ્ન ટ્રેક્ટર સાથે ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન પાર્ટીમાં પોતાના ૯પ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જે પૈકી દરેકે દરેક હારી ગયા છે. જો ટોટલ મતોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં થયેલા કુલ મતદાનમાંથી ૮૨,૦૦૦ (૦.૩ ટકા) મતો જ આ ઉમેદવારોને મળ્યા છે.
આ સિવાય શંકરસિંહ વાઘેલા સાથે મળીને કોંગ્રેસ સામે બળવો પોકારીને ભાજપમાં જોડાયેલા ૭ નેતાઓમાંથી માત્ર બે જ જીતી શક્યા છે. જામનગર-ઉત્તરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ગોધરા બેઠક પરથી સી.કે.રાઉલજીને જીત મળી છે. આ સિવાય રાઘવજી પટેલ (જામનગર-ગ્રામીણ), ડો. તેજશ્રી પટેલ (વિરમગામ), રામસિંહ પરમાર (ઠાસરા), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર) અને અમિત ચૌધરી (માણસા) હારી ગયા છે. પોતાની હાર થવા છતાં શંકરસિંહ વાઘેલા આ બાબતે જણાવે છે કે, મોટાભાગના ઉમેદવારો ઘણાં ઓછા માર્જિનથી હાર્યા છે. આ સિવાય સ્થાનિક સમીકરણો પણ તેમની હાર માટે જવાબદાર છે ત્યારે શંકરસિંહ વાઘેલાનો સાથ છોડ્યા પછી કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં ‘નવસર્જન’ તરફ પ્રયાણ કર્યું હોય તેવું લાગી રહ્યું તેવી ચર્ચાઓ છે. આમ કોંગ્રેસને છોડી અન્ય પક્ષ સ્થાપી ચૂંટણી લડનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા કાકુ કાઢી શક્યા નથી અને મતોની ખેતી કરવામાં તેમનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે તેવી લોકચર્ચાઓ થઈ રહી છે.