(એજન્સી) તા.૨૫
૨૮૮ બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાસક ભાજપ અને શિવસેના યુતિ એની સત્તા ફરી જાળવી રાખવા માટે સક્ષમ બની છે. બંનેએ સાથે મળીને ૧૬૧ બેઠકો જીતી લીધી છે (ભાજપ ૧૦૫, શિવસેના ૫૬). સરકાર રચવા માટે ૧૪૫ બેઠકોની જરૂર પડે. તે છતાં આ વખતની ચૂંટણીમાં શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો દેખાવ સૌને ઊડીને આંખે વળગ્યો છે. વિરોધ પક્ષ એનસીપીએ ૫૪ બેઠક જીતી છે. એને ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં ૩૨ સીટનો ફાયદો થયો છે. પાંચ વર્ષ પહેલાંની ચૂંટણીમાં એણે ૨૨ સીટ જીતી હતી. એ બધી સીટ એણે જાળવી રાખી છે અને નવી ૩૨ સીટ જીતી છે. ગઈ ૧૯ ઓક્ટોબરે બનેલી એક ઘટના ખૂબ ચર્ચામાં આવી છે. એ દિવસે શરદ પવારે મહારાષ્ટ્રના સતારામાં એમની પાર્ટીની ચૂંટણી રેલી યોજી હતી. પરંતુ મુસળધાર વરસાદ શરૂ થતાં પાર્ટીના નેતાઓએ રેલીને રદ કરવાનું વિચારતા હતા. પરંતુ, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદથી ગભરાયા વિના પવાર મંચ પર ચડી ગયા હતા અને માઈક પરથી લલકાર્યું હતું કે આ એનસીપી માટે વરુણ રાજાના આશીર્વાદ છે. એનાથી રાજ્યમાં ચમત્કાર થશે અને એની શરૂઆત ૨૧ ઓક્ટોબરથી થશે એનો મને વિશ્વાસ છે. એનસીપીના નેતા અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે વિધાનસભા ચૂંટણી પૂર્વે જ્યારે સંસદસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા ત્યારે ઘણા લોકોએ માની લીધું હતું કે પવાર માટે આ મોટો ફટકો છે અને હવે મરાઠા પરિબળ ભાજપની તરફેણમાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તો વળી એવો દાવો કર્યો હતો કે વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં પવારના રાજકીય યુગનો અંત આવી જશે. એનસીપીની મુખ્ય સહયોગી પાર્ટી કોંગ્રેસે પણ ચૂંટણી પહેલા જ હાર માની લીધી હતી. કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ મહારાષ્ટ્રમાં એકેય ચૂંટણી રેલી કરી નહોતી. રાહુલ ગાંધીએ પાંચ રેલી કરી હતી. એવામાં, મરાઠા ટાઈગર કહેવાતા શરદ પવાર યોદ્ધાની જેમ લડ્યા હતા. એમણે એમની પાર્ટીની ચૂંટણી ધુરા સંભાળી લીધી હતી અને ભાજપ-શિવસેના પર તત્કાળ વરસી પડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ કરેલા કેસ અને પાડેલા દરોડા, પરિવારમાં આંતરિક રાજકીય લડાઈ જેવી સમસ્યાઓનો સામનો કરતાં પવારે એમની પાર્ટીને ઓક્સિજન પૂરૂં પાડવાનું કામ કર્યું એટલું જ નહીં, પણ દેશના તમામ પ્રાદેશિક પક્ષોને પણ એક સંદેશ આપ્યો હતો. આખરે ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા બાદ હવે શિવસેના પાર્ટી પણ એ માનવા માટે મજબૂર થઈ ગઈ છે કે એનસીપીએ મોટી છલાંગ લગાવી છે. શિવસેનાએ ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ પર ફરીવાર કટાક્ષ કર્યો હતો. શિવસેનાએ તેના મુખપત્ર સામના અખબારના તંત્રીલેખમાં લખ્યું છે કે આ મહાજનાદેશ નથી, જનાદેશ છે અને એનસીપીએ સૌથી મોટી છલાંગ લગાવી છે. શરદ પવારે બતાવી આપ્યું છે કે પોતે ૭૯ વર્ષના થયા હોવા છતાં એ હજી પણ થાક્યા નથી કે હાર્યા નથી. એમનું રાજકારણ હજી સમાપ્ત નથી થયું. એમના ભત્રીજા અજીત પવાર પરિવારની પરંપરાગત ગઢ સમાન બેઠક બારામતીમાંથી ૧ લાખ ૬૫ હજાર મતોથી વિજયી થયા છે, જે વર્તમાન ચૂંટણીમાં એક વિક્રમ છે. શરદ પવારે ગઈ કાલે પત્રકાર પરિષદમાં ઉદયનરાજે ભોસલેને કટાક્ષ કરતાં કહ્યું હતું કે સતારામાં છત્રપતિ શિવાજી મહારાજના સિંહાસન માટે લોકોને ઘણો આદર છે, પરંતુ એ સિંહાસનની ગરિમા જાળવવામાં જો કોઈ નિષ્ફળ જાય તો લોકો એના વિશે જરૂર વિચારશે.
ચૂંટણી પરિણામ ૨૦૧૯ : …પણ શરદ પવારે સાબિત કરી બતાવ્યું કે તે વધુ શક્તિશાળી છે : ફડણવીસ પર શિવસેનાનો ટોણો

Recent Comments