(એજન્સી) લખનઉ, તા. ૮
બીએસપીના પ્રમુખ માયાવતીએ મંગળવારે જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્રીય કેબિનેટને નિર્ણયને ચૂંટણી સ્ટંટ અને ભાજપનું રાજકીય નાટક ગણાવ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે પાર્ટી આ અપરિપકવ નિર્ણયનું સ્વાગત કરે છે. લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટે આર્થિક નબળા વર્ગ માટે અનામતને લીલીઝંડી આપી હતી. ચાલુ વર્ષે એપ્રિલ-મે માસમાં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના પરંપરાગત મતદારોને સાધવાનુું કામ કર્યું છે. માયાવતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સામાન્ય કેટેગરીમાં આવતા આર્થિક નબળા વર્ગને અનામત આપવાના કેબિનેટનો નિર્ણય અપરિપકવ છે અને તે કોઇ તૈયારી વિના કરવામાં આવ્યો છે. જોકે, અમારી પાર્ટીનું માનવું છે કે, આ નિર્ણય રાજકીય સ્ટંટ છે અને લોકસભા ચૂંટણીઓ પહેલા ભાજપનું નાટક છે. માયાવતી પહેલા અન્ય વિપક્ષી દળોએ પણ કેબિનેટના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ તેમણે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ રાજકીય લાભ માટે છે. બીજી તરફ ભાજપે કેન્દ્રના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. માયાવતીએ કહ્યું કે, અમારી પાર્ટી નબળા મુસ્લિમો અને અન્ય લઘુમતી વર્ગને માટે પણ અનામત આપવાની માગ કરે છે પણ ભાજપે તેમને ન્યાય આપ્યો નથી અને આ બાબત વખોડવા લાયક છે. પાર્ટીએ આ બાબતે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો પરંતુ તેમણે આ મામલે કોમવાદી વલણ અપનાવ્યું છે અને ફક્ત ચોક્કસ જાતિ એટલે કે ઉચ્ચ વર્ગના લોકોને જ અનામત આપવાનો નિર્ણય કર્યો છે જે અન્ય તબક્કાઓ માટે અન્યાય છે.