અમદાવાદ, તા.૧૮
જસદણ પેટાચૂંટણીના મતદાનને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાત સરકારે જસદણની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાને બચાવવા માટે જાણે રૂા.૬રપ કરોડના વીજ બિલો માફ કરવાની જાહેરાત કરી છે. જેમાં રૂા.પ૦૦ ભરીને ઘર વપરાશ, ધંધાકીય તેમ ખેતીવાડી હેતુના વીજ જોડાણોવાળા ગ્રાહકોને બાકી નીકળતી વીજ બિલની મૂળ રકમ અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી ટાંણે વીજ બિલ માફીની જાહેરાત કરી આચારસંહિતાની ઐસી કી તૈસી ભાજપ સરકારે કરી છે. રાજય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હે ણી નીકળતી રકમ માટે રાજય સરકારે રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ સંદર્ભે જણાવ્યુંય છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’નો લાભ મળશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યુંન હતું કે, રાજય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇ, રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. તદઅનુસાર ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણોવાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે. માત્ર રૂા. ૫૦૦/- જેવી તદન નજીવી રકમ ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્યાવજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે. રાજ્યના અંદાજે ૬.૨૨ લાખથી વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી રાજય સરકાર આપશે. રાજ્યની ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્યા વિસ્તારના ઘર વપરાશના બી.પી.એલ. તેમજ નોન બી.પી.એલ. ઉપરાંત ખેતીવાડી અને કોમર્શીયલ વીજ જોડાણો ધરાવતા કુલ ૬.૨૨ લાખથી વધુ ગ્રાહકોને રાજય સરકારની આ એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત માત્ર રૂા. ૫૦૦ ભરવાથી તેમના મૂળ બીલની તથા વ્યાજની તમામ રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ માફી યોજનામાં લાભ લેનારા વીજ ગ્રાહકોમાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્થિતિના કારણે કે અન્ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ ૧૨૬ અને ૧૩૫ હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.