(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૬
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના બાલાકોટમાં મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના અડ્ડાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય ગરમી વધી ગઇ છે. ત્રાસવાદીઓના અડ્ડાઓ પર હુમલા પછીથી પાકિસ્તાન અત્યાર સુધી આઘાતમાં છે. જૈશ-એ-મોહંમદના અડ્ડાઓ પર બોમ્બમારાની ખબરો મળતાની સાથે જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ચીનના વિદેશ પ્રધાન સાથે ફોન પર વાત કરી હતી અને તેમને લેટેસ્ટ પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા હતા. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ઓચિંતા આ ઘટનાક્રમ બાદ ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક ઇસ્લામાબાદ સ્થિત વિદેશ મંત્રાલયમાં યોજાશે. બેઠકમાં ભારતની એરસ્ટ્રાઇક બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. જ્યારે મહમૂદ કુરેશીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે પાકિસ્તાન પાસે આત્મરક્ષાનો અધિકાર છે અને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના વાયુ સીમા ક્ષેત્રનો ભંગ કરીને યુદ્ધવિરામ તોડ્યો છે. પોતાના નિવેદનમાં શાહે નવી દિલ્હીને ચેતવણી આપતા જણાવ્યું કે નવી દિલ્હી ઇસ્લામાબાદને પડકાર ન ફેંકે. પાકિસ્તાન કોઇ પણ કાર્યવાહીનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીનની સામાચાર સંસ્થા શિનહુઆના અહેવાલ મુજબ પાકિસ્તાને પ્રદેશમાં શાંતિ જાળવી રાખવા અને ત્રાસવાદ સામે પોતાની લડાઇ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જ્યારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ બંને દેશોને દક્ષિણ એશિયામાં શાંતિ જાળવી રાખવા અને ત્રાસવાદ સામે સખત કાર્યવાહી કરવા માટે વ્યૂહરચના બનાવવા પર ભાર આપ્યો.