આ દેશની લોકશાહીને બરકરાર રાખવા માટે જેને આપણે કલમવીર, બુદ્ધિજીવી અને કર્મશીલ કહીએ છીએ એ સૌએ દેશના અદના (સામાન્ય) ઈન્સાનને સાથે લઈને તેના હક્ક-હિતો માટે દેશમાં લોકશાહીને ખતમ કરે એવા સંગઠન કે વિચારસરણની જાકારો આપવા આઠે પ્રહર કટિબદ્ધ રહેવું પડશે. એમાં સૌથી મોટી જવાબદારી કલમનવેશોની, જાગૃત્ત પત્રકારોની અને દેશને દિલોજાનથી ચાહનારાઓની છે. એમ લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘‘ગુજરાત ટુડે’’ દૈનિકના તંત્રી અને જાણીતા સાહિત્યકાર અઝીઝ ટંકારવીએ બુદ્ધિજીવીઓ અને કર્મશીલોના એક કાર્યક્રમમાં પ્રારંભિક પ્રવચન આપતા લોકશાહી સામે ઘાતક પરિબળોને ઉખેડી ફેંકવા હાંકલ કરી હતી.
લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ અને ‘‘ગુજરાત ટુડે’’ દૈનિકના આંગણે યોજાયેલ કર્મશીલોના અને બુદ્ધિજીવીઓના એક કાર્યક્રમમાં લોકશાહીને લોકશાહી ઢબે બચાવવાની મુહિમ શરૂ કરવાનો સૂર વહેતો થયો હતો. આ પ્રસંગે બોલતાં જાણીતા પર્યટક, પર્યટક લેખક અને બુદ્ધિજીવી સંજય બારોટ ‘રખડુ’એ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિશે આ ચૂંટણી પૂરા દેશની લોકશાહી માટે ખૂબ અગત્યની છે એમ જણાવી ગુજરાતે આ દેશને એક રોગ આપ્યો છે, એટલે ગુજરાતની એક જવાબદારી બને છે કે આ રોગની દવા આપે, તેનો ઈલાજ કરે કારણ કે ગુજરાતની ભૂમિમાં આ રોગનો ઈલાજ કરી શકે એવી તાકાત છે એમ જણાવી ફાસીવાદી તાકાતોને ખદેડી મૂકવાની વાત સાંકેતિક ભાષામાં કરી હતી. તેમણે રેસમાં આગળ નીકળેલ લોકશાહી અને બંધારણને ખતમ કરવાની વાતો કરનારાઓને પાછળ પાડી દેવા દલિત-મુસ્લિમ અને અન્ય સમુદાયોની એકતા પર ભાર મૂક્યો હતો. ‘‘ગુજરાત ટુડે’’ દૈનિકને એક અદ્‌ભૂત વર્તમાનપત્ર ગણાવી ‘‘ગુજરાત ટુડે’’ના દીવા થકી સમગ્ર રાજ્ય અને પછી સમગ્ર દેશમાં રોશની ફેલાઈ જશે તેમ જણાવી દૈનિકની ‘નીડરતા’ના ભારે વખાણ કર્યા હતા.
આ પ્રસંગે બોલતાં જાણીતા કર્મશીલ મનિષી જાનીએ જણાવ્યું હતું કે, આ સમય દેશની લોકશાહી અને બંધારણ માટે ખૂબ જ દુઃખદ છે. ‘બંધારણ બચાવો’નો મુદ્દો વ્યૂહરચનાની દ્રષ્ટિએ આજે ખૂબ અગત્યનો બન્યો છે. તેમણે દલિતો પર વધતા અત્યાચારને લઈ ‘ગરબા જોવા જોવી’ વાતમાં જીવ લઈ લેવો તેમ જણાવી ‘નજરથી પણ અભડાઈ જવાય’ એવું કલ્ચર ઊભું થયું અને જે કટ્ટરતા વધી છે તેને ખૂબ જ દુઃખદ ગણાવી આ લોકો વારા પછી વારો કાઢે છે. દલિતોનો વારો, મુસ્લિમોનો વારો, ખ્રિસ્તીઓનો વારો એમ કટાક્ષ કરતાં સંગઠિત થવાની વાત પર ભાર મૂક્યો હતો.
જ્યારે જાણીતા સામાજિક કાર્યકર રાજુ સોલંકીએ ૧૯૮૧ પછી ક્રમશઃ જે ફાસીવાદી તાકાતોનું જોર વધ્યું છે તે ઉપર પ્રકાશ પાડ્યો હતો. જેનો ભોગ દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમો સતત બનતા રહે છે તેની વિગતો આપી હતી સાથે જ દેશમાં જે થઈ રહ્યું છે તેના પણ વ્યંગ્ય બાણ છોડતાં આ દેશમાં હવે આનાથી વધારે ખરાબ શું થાય ? આપણે આસમાની-સુલતાની’ બધી જ તકલીફો જોઈ લીધી છે. હવે તો સારા દિવસો આવવાના છે. એમ જણાવી દલિતો સાથે મુસ્લિમોના જોડાણની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે ‘ગુજરાત ટુડે’ને સાત્વિક અખબાર કહી પ્રજાનું અખબાર ગણાવ્યું હતું.
જ્યારે જાણીતા પૂર્વ પ્રોફેસર અને લેખક દિનેશ શુક્લને ‘ગુજરાત ટુડે’ને માત્ર મુસ્લિમોના અખબાર ગણનારાઓની હાંસી ઉડાવતાં કહ્યું કે, તમે એકવાર ‘ગુજરાત ટુડે’ વાંચો પછી તમને ખ્યાલ આવશે કે ધ્યેય સાથે નીકળતું આ બધાનું છાપું છે. ‘ગુજરાત ટુડે’ એ સમગ્ર ગુજરાતમાં વેચાતું એક માત્ર એવું છાપું કે જેમાં જિલ્લા-તાલુકા અને નાના-નાના ગામડાઓના તેમજ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સમાચારો જોવા મળે છે. જ્યારે અન્ય છાપાઓ ઉપપ્રાદેશિક બની ગયા છે.
જ્યારે પીયુસી સેલના ગૌતમ ઠાકરે છેલ્લા ૩-૪ મહિનામાં લોકોમાંથી ભય અને ડર ઓછો થયો છે તેમ જણાવી લોકો બોલતાં થયા પણ મોંઘવારી પર કેમ નથી બોલતા ? તેવો વૈધક પ્રશ્ન મૂક્યો હતો. તેમણે રાજ્યમાં હજુ પણ મુસ્લિમોમાં ઘણી જગ્યાએ ર૦૦રના કોમી રમખાણોની અસર હજી જોવાઈ રહી છે તેમ જણાવી આજે પણ બીજે રહેવા ગયેલા મુસ્લિમો પોતાના મૂળ ગામ કે જમીનમાં ખેતી કરવા પણ જઈ શકતા નથી. તેમને સામાજિક રીતે પણ હેરાન ન કરાય તેમ જણાવ્યું હતું. તેમણે સંઘ પ્રેરિત લોકો ડરાવવા તમારા ઘર સુધી આવી જાય છે તે જણાવી નીડરતા પર ભાર મૂક્યો હતો.
જ્યારે જમાત-એ-ઈસ્લામી હિંદના સેક્રેટરી ઈકબાલ મિર્ઝાએ નવા બંધારણ સામે બંધારણ બચાવવા સહિયારા પ્રયાસની જરૂર છે તેમ જણાવી સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો અને ‘ગુજરાત ટુડે’ના દેશ-વિદેશના તથા મુસ્લિમ જગતના ન્યૂઝ વીશે તારીફ કરી વાંચવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ રાવ આંબેડકરે દેશમાં એક મોટું પરિવર્તન થઈ રહ્યું છે જેને આપણે સ્વીકારવું પડે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓબીસીમાં જે નાની-નાની જ્ઞાતિઓ છે તેને સંગઠિત કરવામાં આવે તો ચોક્કસ એક પ્રેસર ગ્રુપ ઊભું થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ત્રીજો મોરચો ન હોવાના કારણે ગુજરાતમાં ધાર્મિક પરિબળોને પોતાનો દબદબો બનાવવામાં મદદ મળી. તેમણે લોકોને પોતાની તરફ ડાયવર્ટ કઈ રીતે કરવા તેને મોટી સમસ્યા છે તેમ જણાવી સંગઠિત થવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આપણે જો એમના સાધનોથી એમના મેદાનમાં રમવા ગયા તો એ લોકો આપણને ચોક્કસ હરાવશે, પણ આપણે એવું કંઈ કરીએ કે તે આપણા મેદાનમાં રમવા આવે તે ખૂબ જરૂરી છે અને એ માટે લોકોમાં નાના-નાના ગ્રુપમાં આપણા પ્રત્યે વિશ્વાસ કેળવાય તે જરૂરી છે, તે માટે પણ સંગઠિત બનવું પણ જરૂરી છે તેમ જણાવી તેમણે ઓબીસીના નાના ગ્રુપ દલિત-મુસ્લિમના જોડાણની વાત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ સુહૈલ તિરમીઝીએ ૧૯૯૭ની શંકરસિંહ વાઘેલાની સરકારનો ટેકો પાછો ખેંચી લઈ ગુજરાતમાં ક્યારેય પણ ત્રીજો મોરચો નહીં બનવા દઈએ તેવી કોંગ્રેસની વાત રજૂ કરી હતી. આ પ્રસંગે તે વેળાના ગૃહનું ઉદાહરણ ટાંકતાં તેમણે કહ્યું ભલે અન્ય પક્ષની સરકાર બને પણ ત્રીજા મોરચાને સમર્થન નહીં આપીએ તેમ જણાવી આ દિશામાં પણ વિચારવું જોઈએ તે તરફ ઈશારો કર્યો હતો. તેમણે સંગઠિત થવાની સૌ કર્મશીલોની વાતને ટેકો આપી સંગઠિત બનવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ આવી મુકમ મને ચર્ચા માટે પધાર્યા તે બદલ સૌ કર્મશીલોનો આભાર વ્યક્ત કર્યો હતો.