(એજન્સી) સહારનપુર, તા.૧
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે દેવબંદ પર આપેલા નિવેદન પર ઓલ ઈન્ડિયા જમિયત રાજપૂતના અધ્યક્ષ મૌલાના કારી મુસ્તુફાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે ગિરિરાજનું મગજ બગડી ગયું હોવાનું જણાવી મગજની સારવાર કરાવી લેવા સલાહ આપી છે. મૌલાના કારી મુસ્તુફાએ ગિરિરાજના દેવબંદના નિવેદનને ખૂબ જ શરમજનક અને દુઃખદ ગણાવ્યું હતું અને ગિરિરાજેને મગજના ડોક્ટરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. એમણે કહ્યું કે, ગિરિરાજનું મગજ ખરાબ થઈ ગયું છે. આથી એમણે ડોક્ટર પાસે મગજની સારવાર લેવી જોઈએ. આવા લોકો દેશમાં દાવાનળ સળગાવવાના પ્રયત્નો કરે છે. દેવબંદ વિશે મૌલાના કારી મુસ્તુફાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દેવબંદમાં આતંકવાદ પેદા થતો નથી. એમણે બગદાદી અને સઈદ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નહીં હોવાનું જણાવ્યું હતું અને દેવબંદમાં રહેતા તમામ ધર્મના લોકોને કોમી શાંતિ ડહોળતા ગિરિરાજ જેવા લોકોને પોતાના વિસ્તારમાં ઘૂસવા નહીં દેવા અપીલ કરી હતી. ગિરિરાજ જેવા કોમી ઘૃણા ફેલાવતા તત્ત્વો દેવબંદ વિસ્તારના તમામ લોકો માટે અપમાનજનક છે. એમણે દેવબંદ પર કાળો ડાઘ લગાવ્યો છે. મૌલાના મુસ્તુફાએ ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરતા જણાવ્યું કે, બીજેપી દેશને વિભાજિત અને બરબાદ કરતા લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. મૌલાનાએ આવા મંત્રીઓનો બહિષ્કાર કરીને ભાજપ વિરૂદ્ધ આંદોલન કરવા દેવબંદના લોકોને અપીલ કરી છે.