ઈતિહાસકારો અને શાસકો જેમને ધર્માંધ, જુલ્મી અને અન્યાયી તરીકે ચીતરે છે તે

કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા

પ્રિન્સ યાકૂબ હબીબુદ્દીનની દિલ્હીની શાહી જામા મસ્જિદના મુતવલ્લી તરીકે નિમણૂક

મોગલ બાદશાહોના સીધા  વારસદાર પ્રિન્સ યાકૂબ હબીબુદ્દીન તુસીની કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા દિલ્હીની શાહી જામા મસ્જિદના મુતવલ્લી તરીકે તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. પ્રિન્સ યાકૂબ હબીબુદ્દીન તુસી હાર્ડવેર અને સોફટવેરના નિષ્ણાત એન્જિનિયર પણ છે. તેઓ એક ડીમ્ડ યુનિવર્સિટીની સ્થાપના કરવાની પણ ખેવના ધરાવે છે. જેમાં દીની અને દુન્યવી તાલીમ સાથે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું આયોજન છે.

 

(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ,તા.૧૭

મોગલકાળના મહાન બાદશાહ હઝરત ઔરંગઝેબ આલમગીર (રહે.) કે જેઓ ન્યાયપ્રિયતા, ધર્મ નિરપેક્ષતા, કોમી એકતા, ભાઈચારા માટે સુવિખ્યાત હતા પરંતુ પીળા ચશ્મા પહેરેલા ઈતિહાસકારો અને શાસકોએ તેમને ધર્માંધ અને જુલ્મી શાસક તરીકે ચીતરી તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. સચ્ચાઈ તોેે એ છે કે, જે શાસકે બિન મુસ્લિમ બહુમતિ ધરાવતા વિશાળ ભારત દેશ પર સતત બાવન વર્ષ સુધી એકધારું રાજ કર્યું હોય તે શાસક જો જુલ્મી, ધર્માંધ કે અન્યાયી હોય તો પ્રજા કદી સહન ન કરે. બાદશાહ ઔરંગઝેબ આલમગીર (રહે.)એ અસંખ્ય મંદિરોનો જીર્ણોધ્ધાર કર્યો હતો અને પુજારીઓને ગામો અને જમીનો જાગીરમાં આપી હતી. જેના પુરાવા આજે પણ ઈતિહાસમાં છેે.

તાજેતરમાં ઈદેમિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની ઉજવણી દરમ્યાન બાદશાહ ઔરંગઝેબ આલમગીર (રહે.)ના સજ્જાદાનશીન અને વારસદાર પ્રિન્સ યાકુબ હબીબુુદ્દીન તુસી અને તેમના શહેઝાદા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં મિરઝાપુર કુરેશચોક ખાતે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમની હાજરીથી ઐતિહાસિક શહેર મદીનતુલ ઓલિયા અહમદાબાદમાં મુગલ સામ્રાજ્યનો ઈતિહાસ તાજો થયો હતો. આ અંગે કુરેશ જમાતના અગ્રણી જનાબ ઉસ્માનભાઈ કુરેશીએ બાદશાહ ઔરંગઝેબ વિશે સંક્ષિપ્તમાં એક લેખ તૈયાર કર્યો હતો. જે નીચે મુજબ છે. મહાન બુઝુર્ગ, વલી સિફત બાદશાહ, આલિમે બા-અમલ, હઝરત સુલ્તાન આલમગીર ઔરંગઝેબ વિશે સંક્ષિપ્તમાં એટલું જ લખવાનું કે, આલમગીર ઔરંગઝેબે ભારત દેશ પર લગભગ બાવન વરસ સુધી રાજ કર્યું જે કોઈ પણ મુસ્લિમ બાદશાહના શાસન કરતાં વધારે છે, આ વાત પોતે જ એ વાતની સાબિતી છે કે, તેઓ કેટલા ઉત્તમ સેવાભાવી સુલ્તાન હતા. આટલા સમય સુધી એક એવા દેશ પર શાસન કરવું જેની બહુમતિ પ્રજા બિન મુસ્લિમ હોય એ ત્યારે જ થઈ શકે છે જ્યારે એ સુલતાન ધર્મનિરપેક્ષ હોય, દરેક ધર્મ અને કોમને એના અધિકારો આપે અને બાદશાહ ઓરંગઝેબે આ જ કામ કર્યું છેે. એની સાબિતીઓ આજે પણ મોજુદ છે. આ વિશે ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ભારત રત્નથી સન્માનિત ડો.રાજેન્દ્રપ્રસાદે ૨૮ ફેબ્રુઆરી ૧૯૫૩ના રોજ પોતાના એક લેખમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે એવું ઘણીવાર બતાવવામાં આવે છે કે, મુસ્લિમ બાદશાહોએ કેટલાય મંદિરો તોડ્યા પણ કોઈ સંશોધક એ વિગતો પણ જાહેર કરે કે આ મુસ્લિમ બાદશાહોએ મંદિરો અને મઠો માટે કેટલી મિલકતો સોપી અને કેટલા પુજારીઓ અને બ્રાહ્મણોને જાગીરો આપી. જો આની યાદી તૈયાર કરવામાં આવે તો કોમી સદભાવના દૃષ્ટિકોણથી ખૂબ જ લાભદાયી કાર્ય ગણાશે અને આ કામ જ દેશની સાચી સેવા ગણાશે.

ઈતિહાસ સાથે ચેંડાં કરવા અને તેના વિકૃત અર્થઘટનથી તેઓ ઘણા નારાજ હતા. તેમણે આ વાત ત્યારે લખી જ્યારે મુસ્લિમ શાસકોને ધર્મવિરોધી અને દેશ વિરોધી બતાવવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા અને ઈતિહાસની સચ્ચાઈને ભૂંસવાની કોશિશ કરવામાં  આવી રહી હતી.

આ વાત પર ધ્યાન આપી આ વિષય પર જે ઈતિહાસકારોએ ઔરંગઝેબ આલમગીર બાદશાહે ઘણી મોટેી સંખ્યામાં હિંદુ મંદિરો, મઠો તથા આશ્રમોને જાગીરો અને વજીફાઓ આપ્યા હતા. એમાં ખાસ કરીને ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર, ચિત્રકૂટના બાલાજી મંદિર, ગૌહાટીના ઉમાનંદ મંદિર અને અહમદાબાદના જગન્નાથ મંદિર વગેરેથી સંબંધિત શાહી ફરમાનો જોવા મળે છે.

(૧) બાદશાહ આલમગીર ઔરંગઝેબે ઈ.સ.૧૬૬૯માં ઈલાહાબાદના બાંધબરી મઠના મહંતને ભરણપોષણ માટે પાંચ ગામની જાગીરો આપી હતી. ઉપરાંત કચ્છના તા.નિરિયાકૂઈમાં બે અને સિરાથુ મંઝનપુરમાં ત્રણ ગામો જમાલમઊ, આયાઝમઊ તેમજ બસોહનીની જાગીરો આપી હતી. આ ગામોની જાગીરોથી આજે પણ મહંત લાભ મેળવી રહ્યા છે.

(૨) બાદશાહ ઔરંગઝેબે દશાશ્વમેઘ મંદિર, ઈલાહાબાદને પણ કેટલાયે વીંઘાં જમીન આપી હતી જેથી મંદિરોના ખર્ચ નીકળે અને પૂજારીઓને લાભ મળે.

(૩) આપે ઈલાહાબાદના કર્નલગંજ વિસ્તારમાં ઈ.સ.૧૭૦૫માં બે વીંઘાં ચાર બિસ્વા જમીન રામલીલા અને હિંદુ ધર્મના અન્ય કાર્યો હેતુ ત્યાંના રહેવાસીઓને માંગણી મુજબ આપી હતી. આ ફરમાનનું અંગ્રેજ કમિશનર દ્વારા ૧૯૧૦માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ લખાણ રાજકીય મહેસુલી રેકોર્ડ, ઈલાહાબાદમાં આજે પણ મોજૂદ છે.

(૪) આપે ચિત્રકુટના બાલાજી મંદિરના મહંત બાલકદાસને મંદિરની વ્યવસ્થા અને ખાણી-પાણી હેતુ ઈ.સ.૧૬૯૧માં કેટલાયે ગામો અને જમીનો દાનમાં આપ્યા હતા.

(૫) ભર્તૂહરિની સમાધિ જે ચિનાર કિલ્લામાં મિરઝાપુર, જિ.ઈલાહાબાદમાં છે, બાદશાહ ઔરંગઝેબે આની વ્યવસ્થા તેમજ પૂૂજા-અર્ચના હેતુ ઈ.સ.૧૬૮૨માં અનુદાન આપ્યું હતું. જેનું શાહી ફરમાન આજે પણ ત્યાંના મહંત પાસે મોજુદ છે.

(૬) સોમેશ્વરનાથ મંદિર જે અરૈલ ક્ષેત્ર, ઈલાહાબાદમાં આવેેલ છે એની વ્યવસ્થા તેમજ સારસંભાળ માટે બાદશાહ ઔરંગઝેબે જે જમીન અનુદાનમાં આપી હતી તેનો ઉલ્લેખ ઓરિસ્સાના પૂર્વ રાજ્યપાલ પંડિત વિશ્વંભરનાથ પાંડેએ પણ કર્યો છે.

આમ બાદશાહ ઔરંગઝેબની ધર્મનિરપેક્ષતાના આ તો માત્ર જુજ ઉદાહરણો છે પરંતુ જો સચ્ચાઈના ચશ્માથી ઈતિહાસના પાના ઉથલાવવામાં આવે તો અસંખ્ય ઉદાહરણો મળી આવશે અને એ હકિકતપણ ચોક્કસપણે જાણી શકાશે કે ખરેખર બાદશાહ ઔરંગઝેબ જેવો શાસક આજદિન સુધી ભારતને મળ્યો છે, ન મળી શકશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.