(એજન્સી)   નવી દિલ્હી,તા.૪

શત્રુ સંપત્તિ (સુધારા અને કાયદેસરતા) વટહુકમ પર પાંચમી વખત રાષ્ટ્રપતિએ સહી કરી છે.આ રીતે સંસદના શિયાળુ સત્રમાં પસાર નહીં કરવામાં આવેલ વિધેયકને વટહુકમ દ્વારા પુનઃ જાહેર કરનાર સત્તાધિકારી તરીકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયુ છે. તેઓ વટહુકમને ચોથી વખત પુનઃ જાહેર કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે.વટહુકમને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવવો જોઇએ કારણ કે તેના દ્વારા બંધારણમાં નિર્ધારીત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. ઐતિહાસિક રીતે જોઇએ તો ભારતમાં ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા બાદ ૧૯૩૯માં જ ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૯ અને ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ ૧૯૩૯ની ઘડવામાં આવ્યા હતા.ભારત માટે શત્રુઓની સંપત્તિના કસ્ટોડિયન હેઠળ આ નિયમો ઘડવામાં આવ્યા હતા અને શત્રુને નાણા આપતા અટકાવવા માટે અને શાંતિ સ્થપાય ત્યાં સુધી ભારતમાં શત્રુઓની સંપત્તિનો વહીવટ કરવા અને શત્રુને પૈસા ચૂકવતા અટકાવવા આ કાયદા ઘડવામાં આવ્યા હતા. આ વટહુકમ હેઠળ એક વાત સ્પષ્ટપણે જણાય છે કે કેન્દ્ર સરકાર સરકારના રાજકીય સાથીઓ નથી એવા લોકોને હેરાન કરવા અને એવા લોકો સંપત્તિ ગુમાવી બેસે એવી કાર્યવાહી કરવા માટે આ વટહુકમનો ઉપયોગ થશે.શત્રુ સંપત્તિ વટહુકમ હેઠળ જો શત્રુ મટી જાય તો તેના નાગરિકની સંપત્તિ પરત કરાશે નહીં. બીજું જો કોઇ વ્યક્તિ દેશનો શત્રુ જણાય તો સરકાર દ્વારા તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને વટહુકમમાં એવું પણ જણાવાયું છે કે આવી વ્યક્તિના મૃત્યુ બાદ તેની સંપત્તિ તેના વારસદારોને પણ આપવામાં આવશે નહીં. એક બાજુ ભારતનું બંધારણ કહે છે કે અન્ય દ્વારા આચરવામાં આવેલ અપરાધ વગર કોઇ નિર્દોષ વ્યક્તિને સજા થવી જોઇએ નહીં. એક વખત દેશના દુશ્મન મૃત્યુ પામે એટલે તેની મિલકત શત્રુની મિલકત ગણાય નહીં અને તેથી ભારતના નાગરીક હોય એવા તેના કાનૂની વારસદારને આ સંપત્તિ પરત કરવી જોઇએ.