ટાઈટલ માટેના પ્રબળ દાવેદાર

ભારત સાથે ફાઈનલમાં ટક્કર થાય તેવી શક્યતા

કાર્ડિફ, તા.૧૪

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને કચડી નાંખીને ફાઈનલમાં આગેકૂચ કરી લીધી હતી. પાકિસ્તાને આઠ વિકેટે મેચ જીતી હતી. ૭૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. હવે ફાઇનલમાં તેની ભારત સાથે ટક્કર થવાની ક્રિકેટ ચાહકોને આશા દેખાઈ રહી છે. બીજી સેમિફાઇનલમાં આવતીકાલે ભારતની બાંગ્લાદેશ સાથે ટક્કર થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હજુ સુધી એક પણ મેચ નહીં હારનાર અને હરીફ ટીમોને ખરાબરીતે હરાવનાર ઇંગ્લેન્ડની ટીમનો આજે કરુણ રકાસ થયો હતો. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઇંગ્લન્ડનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો. ઇંગ્લન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૪૯.૫ ઓવરમાં ૨૧૧ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લન્ડ તરફથી બેરશોએ ૪૩ અને રુટે ૪૬ રન કર્યા હતા. લોઓર્ડરના બેટ્‌સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. પાકિસ્તાન તરફથી હસનઅલીએ ૩૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે જુનેદ ખાન અને રઇશે બે બે વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૨૧૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને મજબૂત શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧૧૮ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ફખરે ૫૭ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ અઝહર અલીએ ૭૬ રન કર્યા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.