(એજન્સી) તા.૧૮
મ્યાનમારમાં જે રીતે રોહિંગ્યા મુસ્લિમોની કત્લેઆમ કરવામાં આવી રહી છે અને મ્યાનમારની સેના તથા બૌદ્ધ સમુદાયના નાગરિકો રોહિંગ્યા મુસ્લિમોની કત્લેઆમ કરી રહી છે તેને અટકાવવા માટે બ્રિટનમાં વસતાં રોહિંગ્યા મુસ્લિમોએ હવે અવાજ ઊઠાવ્યો છે. તેમણે બ્રિટનની સરકાર સમક્ષ માગણી કરી છે કે તે રોહિંગ્યા મુસ્લિમોની વહારે આવે અને મ્યાનમારની સેનાને અને બૌદ્ધ સમુદાયના લોકોને રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર કરતાં અટકાવે. સ્કાય ન્યૂઝ સમક્ષ રવિવારે બ્રેડફોર્ડ ખાતે યુએનના બચાવ અભિયાન હેઠળ રહેતાં ૩૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોએ તેમની આપવીતી તથા તેમના સંબંધીઓ પર હાલમાં જે રીતે અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે તેની ખુલ્લી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મ્યાનમારની સેનાના જવાનો રોહિંગ્યા મુસ્લિમોની મહિલાઓ પર દુષ્કર્મ કે તેમની હત્યા કરતાં જરાય ખચકાતાં નથી. એક ૧૮ વર્ષીય વિદ્યાર્થી જે તેના દાદા-દાદીના નિધન બાદ એકલો જીવિત છે તેણે કહ્યું કે હું તમને હાલનું ત્યાંનું દૃશ્ય બતાવી શકું છું કે ત્યાં કેવી રીતે ક્રૂરતા આચરવામાં આવે છે. મને અત્યારે ખૂબ જ માઠું લાગી રહ્યું છે અને પોતાને દોષી માની રહ્યો છું કેમ કે હું એક એવા દેશમાં છું જ્યાંથી હું મારા દેશના લોકોને પણ મદદ પહોંચાડી શકતો નથી. તે કહે છે કે રોહિંગ્યા શરણાર્થીઓને તેમના મૂળભૂત અધિકારો પણ મળ્યા નથી. અમે મોબાઇલ પણ રાખી શકતા નથી કે જેથી પરિજનોને સંપર્ક કરી શકીએ. બ્રેડફોર્ડમાં સંચાલિત અરાકાન રોહિંગ્યા સંગઠન સાથે જોડાયેલા દીન મોહમ્મદ નૂરી કહે છે કે મ્યાનમારની સરકારના નેતા આંગ સાન સૂ કીએ પહેલ કરીને આ મામલે શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. તમને જણાવી દઇએ કે છેલ્લે ઓક્ટોબર ર૦૧૬થી મ્યાનમારની સેનાના જવાનો રોહિંગ્યાઓ પર અત્યાચાર ગુજારી રહ્યા છે. છેલ્લે ઓગસ્ટ મહિનાથી નવી હિંસાનો દોર શરૂ થતાં જ લગભગ ચાર લાખ જેટલા રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી બની ગયા છે.