લંડન,તા.૧
ક્રિકેટની સર્વોપરી સંસ્થા આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ભરચક કાર્યક્રમમાંથી ક્રિકેટરોનો શ્રમ ઓછા કરવાના હેતુએ પાંચ દિવસની ટેસ્ટ મેચોને ટૂંકાવવાના પ્રસ્તાવને ઈંગ્લેન્ડે ટેકો આપ્યો છે.
આઈ. સી. સી. દ્વારા ૨૦૨૩થી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુ. ટી. સી.)ના હિસ્સા તરીકે રમાતી ટેસ્ટ મેચોને ફરજિયાત ચાર દિવસની કરવાનું વિચારાઈ રહ્યું છે.
ઈંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બૉર્ડ (ઈ. સી. બી.)ના એક પ્રવક્તાએ એક અખબારને કહ્યું હતું કે આથી ભરચક કાર્યક્રમને ઘટાડી ખેલાડીઓના શ્રમને ઓછો કરી શકાશે. ટેસ્ટ ક્રિકેટના ૧૪૦ વર્ષના ઈતિહાસમાં મોટે ભાગે મેચો પાંચ દિવસની રમાઈ છે.૨૦૧૫-૨૦૨૩ દરમિયાન ચાર દિવસની ટેસ્ટ મેચો જો યોજાતા ક્રિકેટનો કાર્યક્રમ ૩૩૫ દિવસ ઘટી જઈ શક્યો હોત. બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે આ બાબતમાં કાંઈ કહેવું બહુ વહેલું છે.