દુબઈ, તા.ર
ઈંગ્લેન્ડની ટીમ ભારતને પછાડી આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડને ર૦૧૪-૧પના ખરાબ સત્રના કારણે ફાયદો થયો છે. જેમાં તેણે રપમાંથી ફક્ત સાત મેચ જીતી તે સત્રને તાજી ગણતરીમાંથી હટાવી દેવાયું છે. જ્યારે ર૦૧પ-૧૬, ર૦૧૬-૧૭ને પ૦ ટકા ગણવામાં આવ્યું છે. છેલ્લીવાર જાન્યુઆરી ર૦૧૩માં વન-ડે રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચેલ ઈંગ્લેન્ડની ટીમના ૧રપ પોઈન્ટ છે. બીજીબાજુ ભારત એક પોઈન્ટ ગુમાવીને ૧રર પોઈન્ટ સામે બીજા સ્થાને છે. દ.આફ્રિકા ત્રીજા સ્થાને આવી ગયું છે. જેમાં ૧૧૩ પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડ તેનાથી એક પોઈન્ટ પાછળ ચોથા સ્થાને છે. બાકીની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. હાલની ટોપટેન ટીમો વિશ્વકપ-ર૦૧૯ રમશે. વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આઠ પોઈન્ટ ગુમાવીને પાંચમાં સ્થાને છે. જ્યારે પાકિસ્તાન છઠ્ઠા સ્થાને છે. બાંગ્લાદેશને (૯૩ પોઈન્ટ) ત્રણ પોઈન્ટ મળ્યા જ્યારે શ્રીલંકા (૭૭)એ સાત પોઈન્ટ ગુમાવ્યા વેસ્ટ ઈન્ડિઝ (૬૯)એ પાંચ પોઈન્ટ ગુમાવ્યા પણ અફઘાનિસ્તાને (૬૩) પાંચ પોઈન્ટ પ્રાપ્ત કર્યા. ટ્‌વેન્ટી-ર૦ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. જેમાં પાકિસ્તાન નંબર વન છે. ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.