ચેમ્પિયન્સ ટ્રોફીની આજે પ્રથમ સેમિફાઇનલ

કાર્ડિફ,તા. ૧૩

ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલથી સેમીફાઇનલ  મેચો શરૂ થઇ રહી છે. જેના ભાગરૂપે પ્રથમ મેચમાં આવતીકાલે બુધવારે પાકિસ્તાનની ટીમ શક્તિશાળી ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડની ટીમના ફોર્મને જોતા ઘરઆંગણે તે પ્રબળ દાવેદાર છે પરંતુ પાકિસ્તાનની ટીમ પણ મોટા અપસેટ સર્જી શકે છે.પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે જીતે છે કે કેમ તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ચેમ્પ્યિન્સ ટ્રોફીની છેલ્લી  લીગ મેચમાં પાકિસ્તાને લગભગ ગુમાવી દીધેલી મેચમાં વાપસી કરીને જીત મેળવી હતી. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે છેલ્લી લીગ મેચ ક્વાર્ટર ફાઇનલ સમાન હતી. આ મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદે અણનમ ૬૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાને એક વખતે સાત વિકેટ ૧૬૨ રનમાં જ ુગુમાવી દીધી હતી. પાકિસ્તાન એક વખતે હારના કિનારે હતુ. હવે બુધવારે પાકિસ્તાન વધારે તાકાત સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરના તમામ બેટ્‌સમેનો શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમના ફોર્મને જોતા પાકિસ્તાન માટે સ્થિતી સારી દેખાઇ રહી નથી. કેપ્ટન મોર્ગન, બેન સ્ટોક્સ, જેસન રોય અને હેલ્સ જોરાદાર ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ આવતીકાલની મેચમાં હોટ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. જો કે શ્રીલંકા સામે  જીત બાદ પાકિસ્તાનના ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાને પહોંચી ગયો છે.  હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે હજુ વરસાદી ઝાપટા પડી શકે છે. બન્ને ટીમોને ડકવર્થ લુઇસ પદ્ધિતી પર પણ નજર રાખવી પડશે.