અમદાવાદ,તા. ૨૨
રેલવેની તત્કાળ ટિકિટ સોફટવેર દ્વારા બુકિંગ કરીને કાળાંબજાર કરનાર એજન્ટો સામે અમદાવાદ આરપીએફ દ્વારા હવે તવાઇ બોલાવવામાં આવી છે, જેમાં શહેરના પ૦થી વધુ આવા એજન્ટો કાર્યરત હોઇ આરપીએફ દ્વારા તેઓની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે આવા કાળાબજારિયા એજન્ટોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, પાંચ જેેટલાં સોફટવેર દ્વારા એજન્ટ ટિકિટ બુક કરતા હોવાનુ તપાસમાં ખુલતાં અમદાવાદ આરપીએફની ટીમે ગુજરાતમાં રેડ મિર્ચ અને અન્ય બે સોફટવેર સપ્લાય કરનાર સુરતના યુવકની ધરપકડ કરી છે. તેણે અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ જેટલા લોકોને સોફટવેર સપ્લાય કર્યા હોવાનું બહાર આવ્યું છે. સેન્ટ્રલ રેલવે આરપીએફ દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાના ઇ-ટિકિટનાં કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જેના પગલે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ સહિત રાજ્યમાં આવા ઇ-ટિકિટના કૌભાંડીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ આરપીએફના પીએસઆઇ એમ.એસ.ગઢવી અને તેમની ટીમે તપાસ બાદ સુરતના કિમ રોડ પર આવેલી રાજાકૃપા સોસાયટીમાં રહેતા યતેન્દ્ર ઉર્ફે યશ પટેલની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી પોતે આ સોફટવેર ડેવલોપિંગ સાથે સંકળાયેલો છે.