સમાજના વિવિધ અગ્રણીઓનો એક જ સૂર

અમદાવાદમાં સરેખજ ખાતે યોજાનારા મેગા એજ્યુકેશન ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે

અમદાવાદ, તા.ર૬

અમદાવાદ શહેરના સરખેજ ખાતે તા.ર૯,૩૦ એપ્રિલે યોજાનારા મેગા એજ્યુ ફેસ્ટ અમદાવાદ-ર૦૧૭માં ૮૦થી વધુ શૈક્ષણિક અને કારકિર્દીને લગતા પ્રદર્શન સ્ટોલ લગાવાશે. તેમજ સ્કોલરશિપ અને શૈક્ષણિક લોન અંગે માહિતી અપાશે. તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી તથા એક્ષપર્ટ દ્વારા વિવિધ વિષયો પર સેમિનાર અને અન્ય વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો યોજીને મુસ્લિમ સમાજમાં શિક્ષણનો રેશિયો ઊંચે લઈ જવા માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાશે. ત્યારે આ મેગા એજ્યુ ફેસ્ટ અંગે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ સહિત સમાજના અગ્રણીઓ શું વિચારે છે ? આ કાર્યક્રમથી સમાજને શું ફાયદો થશે ? તેનાથી સમાજમાં  શું ફેરફાર થશે સહિતના મુદ્દે તેમના મંતવ્યો અહિંયા રજૂ કરીએ છીએ.

 

દરેક વિદ્યાર્થી અને વાલીએ એજ્યુ ફેસ્ટમાં જવું જોઈએ

બિઝનેસમેન શફીભાઈ મનિયારે મેગા એજ્યુ ફેસ્ટ અંગે જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવાના મામલે મુસ્લિમ સમાજ જોઈએ તેટલો જાગૃત નથી. આજે પણ કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જેમને ખ્યાલ જ નથી કે એન્જિનિયર બનવા કે ડોક્ટર બનવા માટે સાયન્સ ક્ષેત્રમાં જવું કે કોમર્સમાં ? ત્યારે અમદાવાદમાં યોજાવા જઈ રહેલો આ એજ્યુ ફેસ્ટ મુસ્લિમ સમાજમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે ખૂબ મહત્ત્વનો રહેશે. ત્યારે આ કાર્યક્રમને વધુને વધુ સપોર્ટ કરવો જોઈએ. તેના માટે વધુને વધુ શાળાઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ એજ્યુ ફેસ્ટમાં ભાગ લેવા હું અપીલ કરૂં છું. ઈસ્લામ ધર્મમાં પણ ઈલ્મ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે દીની અને દુન્યવી શિક્ષણ મેળવવું જરૂરી છે. આવા કાર્યક્રમોથી બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. ત્યારે આવા કાર્યક્રમો દરેક ગામ, શહેર અને સમગ્ર દેશમાં થવા જોઈએ. તદ્‌ઉપરાંત વાલીઓમાં પણ આવા કાર્યક્રમોથી જાગૃતિ આવતા તેઓ પણ બાળકને ભણાવવા પ્રોત્સાહન પૂરૂં પાડતા હોય છે. એમ શફીભાઈ મનિયારે જણાવ્યું હતું.

 

 

 

મેગા ‘એજ્યુ ફેસ્ટ’ એ મેળો નહીં આંદોલન છે

શાહીન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી અને સમાજસેવક હમીદ મેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૧૭ વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલો છું ત્યારે મુસ્લિમ સમાજના યુવાનો માત્ર ગ્રેજ્યુએટ થવાથી નોકરી મળતી હોવાનું માને છે. એટલે તેઓ ગ્રેજ્યુએશન સુધી જ અભ્યાસ કરે છે. પરંતુ ખરેખરમાં એવું હોતું નથી ત્યારે મુસ્લિમ યુવાધન ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે જરૂરી છે. ત્યારે મેગા ‘એજ્યુ ફેસ્ટ’થી લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવશે અને શાળા કોલેજોમાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને મુસ્લિમ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ તરફ વળશે. આજે મુસ્લિમોને પડી રહેલી તકલીફોને દૂર કરવા દીની અને દુન્યવી શિક્ષણ મેળવવું જરૂરી છે. કેમ કે દુન્યવી શિક્ષણથી સમજદારી આવે છે અને દીની શિક્ષણથી ધીરજ આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘સબ પઢો  સબ બઢો’ના સૂત્ર સાથે યોજાનારા ‘એજ્યુ ફેસ્ટ’માં સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ આવીને મુસ્લિમ વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. હવે આ ‘એજ્યુ ફેસ્ટ’એ કોઈ મેળો નહીં પણ આંદોલન છે. હવે મુસ્લિમો ભણશે અને વધશે.જો કે આ ‘એજ્યુ ફેસ્ટ’માં શાહીન ગ્રુપના ૧૦૦થી ર૦૦ બાળકો વોલિયેન્ટર તરીકે જોડાશે.

 

 

બાળકને કયો કોર્સ કરાવવો ? તેવી વાલીઓની મૂંઝવણ દૂર થશે

શમા સ્કૂલના ટ્રસ્ટી અને સમાજસેવક અફઝલ મેમણે એજ્યુ ફેસ્ટ અંગે જણાવ્યું હતું કે આ એજ્યુ ફેસ્ટ યોજાવા જઈ રહ્યો છે. તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ લાભ મળશે. આજે ઘણાય એવા વિદ્યાર્થીઓ છે જેમને ખબર જ નથી કે ધો.૧૦ અને ૧ર પછી કેટલા કોર્સ ચાલે છે. તેમાંય બાળકોના માતા-પિતાને તો કાંઈ ખબર જ હોતી નથી. ત્યારે મેગા એજ્યુ ફેસ્ટ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અવેરનેસ આવશે. તેમજ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને બાળકને કયા કોર્સ કરાવવા તેવા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આ એજ્યુ ફેસ્ટમાં આવશે. ત્યારે આવા કાર્યક્રમો દર વર્ષે યોજવા જોઈએ અને લોકોએ પણ તેમને સપોર્ટ કરવો જોઈએ ત્યારે આ કાર્યક્રમમાં દરેક વાલી અને વિદ્યાર્થીઓ અચૂક ભાગ લેવો જોઈએ.

 

 

 

માર્ગદર્શનના અભાવથી રાહ ભટકતા વિદ્યાર્થીઓને સાચી દિશા મળશે

જમાલપુરની એફ.ડી હાઈસ્કૂલ ફોર બોયઝના આચાર્ય જાહીદહુસેન મનસુરીએ જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શનનો અભાવ હોવાને લીધે ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓ પણ રાહ ભટકતા હોય છે ત્યારે અમદાવાદના સરખેજમાં તા.ર૯, ૩૦ એપ્રિલે યોજાનારા મેગા એજ્યુ ફેસ્ટથી વિદ્યાર્થીઓને સાચી દિશા તરફ લઈ જવા માટે માર્ગદર્શન અપાશે. આ એક સારી શરૂઆત છે. આ કાર્યક્રમથી સમાજમાં શિક્ષણના મહત્ત્વની જાગૃતિ આવશે અને આ કાર્યક્રમથી કલ્પી પણ શકીએ નહીં તેવી હકારાત્મક અસરો પડશે. મુસ્લિમ સમાજની સામે અન્ય સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારે છે. ત્યારે આ એજ્યુ ફેસ્ટથી બાળકોને ક્યાં ભણાવવા ? કેમ ભણાવવા અને શું ભણાવવું ? તે વિશે વાલીઓમાં જાગૃતિ આવશે. આવા એજ્યુ ફેસ્ટથી મુસ્લિમ સમાજમાં શિક્ષણનો રેશિયો વધશે એટલે આવા કાર્યક્રમો દર વર્ષે યોજાવા જોઈએ.

 

 

વિદ્યાર્થીઓને વધુ અભ્યાસની સાથે ધ્યેય નક્કી કરવા માટે માર્ગદર્શન મળશે

બિલ્ડર અબ્દુલકાદિર મેમણે મેગા એજ્યુ ફેસ્ટથી થનારી સકારાત્મક અસરો અંગે જણાવ્યું હતું કે, સરખેજ જેવા વિસ્તારમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ એજ્યુ ફલેટથી સમાજમાં જાગૃતિ આવશે. આવા કાર્યક્રમો વારંવાર થવા જોઈએ. તેમજ આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વારંવાર ભાગ લેવો જોઈએ. તેનાથી વિદ્યાર્થીઓને પોતાનું ધ્યેય નક્કી  કરવામાં અને વધુ અભ્યાસ કરવા અંગે માર્ગદર્શન મળશે. મુસ્લિમ વિદ્યાર્થીઓએ આજના આધુનિક યુગમાં ટકી રહેવા અને કદમથી કદમ મિલાવવા શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. એટલે હું  સંદેશો આપવા માંગું છું કે, સરખેજમાં યોજાનારા એજ્યુ.  ફેસ્ટમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લેવો. તેમજ આવા કાર્યક્રમોમાં હંમેશા હાજર રહેવું જોઈએ.

 

 

ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન

હાલાઈ મેમણ મોટી જમાતના પ્રમુખ અને બિલ્ડર શરીફભાઈ મેમણે મેગા ‘એજ્યુ ફેસ્ટ’ અંગે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં ટકી રહેવા માટે મુસ્લિમ સમાજનો આજનો શિક્ષણનો જે રેશિયો છે. તે વધારવો જરૂરી છે. મુસ્લિમો શિક્ષણમાં પછાત છે. તે વાત જૂની થઈ છે. પરંતુ આજે શિક્ષણનો જે રેશિયો છે તેને વધારવા માટે આયોજિત કરાયેલા મેગા એજ્યુ ફેસ્ટમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે. આ એજ્યુ ફેસ્ટથી સમાજના રપથી ૩૦ લોકોને પણ ફાયદો થશે તો પણ આજે માત્ર ગ્રેજ્યુએશન સુધી જ અભ્યાસ કરતાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માસ્ટર ગ્રેજ્યુએશન સુધી ભણશે. ત્યારબાદ તેઓ પણ સમાજમાં શિક્ષણનો રેશિયો વધારવાની મુહિમમાં જોડાશે. એટલે મુસ્લિમોને પ્રગતિના પંથે લઈ જવા જરૂરી એવા શિક્ષણનું મહત્ત્વ સમજવા અને વધુ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ આ એજ્યુ ફેસ્ટમાં ભાગ લે અને તેમાં આવેલા તજજ્ઞોએ આપેલા માર્ગદર્શનનો અમલ કરે તે જરૂરી છે. જો કે સમગ્ર અમદાવાદના મુસ્લિમ વિદ્યાર્થીઓને આવરી લે તેઓ એક વધુ ‘મેગા એજ્યુ ફેસ્ટ’ ડિસેમ્બર ર૦૧૭માં યોજવાનું આયોજન છે. ઈન્શાઅલ્લાહ તે પૂરૂં કરીશું.