(એજન્સી) બસ્તર, તા. ૧૨
ભારે સુરક્ષા વચ્ચે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ વિસ્તારોમાં શરૂ થયું હતું. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન આઠ વિધાનસભા વિસ્તારોમાં સવારે આઠ વાગ્યે શરૂ થયું હતું અને બાકીના ૧૦ વિધાનસભા વિસ્તારોમાં સવારે સાત વાગે મતદાન શરૂ થયું હતું. રાજ્યના સૌથી વધુ નકસલ પ્રભાવિત વિસ્તારો બસ્તર અને રાજનાંદગાંવના ૧૯૦ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. દરમિયાન સત્તાવાર અહેવાલો અનુસાર અહીં મતદાન દરમિયાન ચૂંટણી પંચને ૩૧ ઇવીએમ અને ૫૧ વીવીપેટ મશીનોમાં ગરબડ હોવાની ફરિયાદ મળી હતી ત્યારબાદ પંચે આ મશીનોને બદલી નાખ્યા હતા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુબ્રત સાહુએ કહ્યું કે, જે વિસ્તારોમાં ઇવીએમ મશીનોમાં ગરબડની વાત સામે આવી હતી તે વિસ્તારોમાં મશીનો બદલી નાખવામાં આવ્યા છે. કેટલાક સ્થળો પર કેબલિંગની ફરિયાદ હતી. કેબલ કોન્ટેક્ટ લૂઝ થઇ જવાથી સમસ્યા સર્જાઇ હતી જે સમસ્યા ઉકેલ્યા બાદ ઇવીએમ યોગ્ય રીતે ચાલતા થઇ ગયા હતા. પંચે કહ્યું કે, બાદમાં બધું બરોબર થઇ ગયું હતું અને કોઇ સ્થાનેથી ફરિયાદ મળી ન હતી. તમામ મશીનો અપડેટ છે અને બેકઅપ સાથે ટીમો પણ તૈયાર છે. બીજી તરફ ભાનુપ્રતાપપુર વિધાનસભાથી કોંગ્રેસના ઉમેદવાર મનોજ મંડાવીએ ચૂંટણી પંચ સમક્ષ આ ખરાબીને કારણે મતદાનનો સમય વધારવાની માગણી કરી હતી.