(એજન્સી) પાલી, તા.૮
વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા અધિકારી ઈવીએમ મશીન ભરેલી જીપ પોતાની સાથે ઘરે લઈ આવી છે. મહિલા અધિકારીના ઘરની બહાર ઈવીએમ ભરેલી જીપ મળ્યા બાદ હોબાળો શરૂ થઈ ગયો. આ વાતની જાણકારી મળતા પોલીસ અને રિટર્નિંગ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી તો તેમાં મોટી બેદરકારી થઈ હોવાનું માનીને મોડી રાત્રે પેટા વિભાગના અધિકારીને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા. જાણકારી અનુસાર, મતદાન દળ રવાના થયા બાદ એક મહિલા સેક્ટર અધિકારીએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપીને રિઝર્વ ઈવીએમને પોતાના ઘરે લઈને પહોંચી ગઈ હતી. જાણકારી મળતા કેટલાક લોકોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ મહિલા અધિકારીને કારણ દર્શાવો નોટિસ પાઠવી હતી. સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જ્યારે તેની તપાસ શરૂ કરી તો મહિલા અધિકારીએ કહ્યું હતું કે, બુથ પર જતી વખતે શૌચક્રિયા કરવા માટે તે ઘરે આવી હતી.