(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
સયાજીગંજ વિધાનસભા મતક્ષેત્રના ઈવીએમ મશીન ચેક કરવા અંગે કોંગ્રેસના ઉમેદવારે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. આમ રાવપુરા મતક્ષેત્રના મશીનો માટે થયેલી માથાકૂટ બાદ હવે સયાજીગંજમાં આવો ઘાટ ઘડાયો છે.
ફરિયાદની વિગત અનુસાર સયાજીગંજ મતક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવતના કાર્યકરો ફતેગંજ કોનવેન્ટ સ્કૂલ ખાતે ઈવીએમ મશીનો ચેક કરવા યા હતા પરંતુ સ્થળ ઉપરના અધિકારીઓએ બે કાર્યકરોથી વધુ કાર્યકરો ચેક કરી શકશે નહીં. તેમ જણાવી અન્ય કાર્યકરોને ચેક કરવાની મનાઈ ફરમાવી હતી. આથી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં વાત કાને ધરી નહતી. ચૂંટણી અધિકારીઓ એકતરફી વલણ અપનાવી રહ્યા છે. આથી નરેન્દ્ર રાવતે મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી ર૦થી ૩૦ કાર્યકરોની હાજરીમાં તમામ ઈવીએમ મશીન ચેક કરવાની માગણી કરી છે અને આજે ૬ ડિસે.ના રોજ મશીનો ચેક કરવાની હાથ ધરેલી પ્રક્રિયા રદ કરવા જણાવ્યું છે. આમ રાવપુરા વિધાનસભા મનક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં ૧પ૦ ઈવીએમ મશીનો બારોબાર સીલ કરવાની ઘટના બાદ શંકા ઉપજાવે તેવી સયાજીગંજ મતક્ષેત્રના મશીનો માટેની ઘટના સર્જાતા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓની કાર્યપધ્ધતિ શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.