(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
હાલમાં જ લંડનના સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાના ઈવીએમ હેક અંગે કરેલા દાવા પછી ગુરૂવારે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ ઈવીએમની વિશ્વાસનિયતા પર પ્રશ્ન કરવાને ખોટું ગણાવતા જણાવ્યું કે, અમે ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટથી જ ચૂંટણી કરાવીશું. સાથે જ આ પણ જણાવ્યું કે, ઈવીએમ અને વીવીપેટ અંગે રાજકીય પાર્ટીઓ સહિત અન્ય લોકો માટે ટીકા કરવા અને ફીડબેક આપવાનો માર્ગ ખુલ્લો છે. મુખ્ય ચૂંટણી કમિશનરના આપવાનો માર્ગ ખુલ્લો છે. મુખ્ય કમિશનરના આ નિવેદન પછી રાજકારણે વેગ પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓ સતત આગામી લોકસભા ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ)ના સ્થાને બેલેટ પેપરની માંગ કરી રહી છે. રાજધાની દિલ્હીમાં ગુરૂવારે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ દેશમાં સતત બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગની વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે, અમે બેલેટ પેપર યુગમાં પરત જવાના નથી. તેમણે જણાવ્યું કે, ઈવીએમને ફૂટબોલ બનાવવો જોઈએ નહીં. ચૂંટણી પંચના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી લોકસભા ચૂંટણીને બેલેટ પેપરથી કરાવવા માટે તેઓ વિચાર કરવા જઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં સ્કાઈપ દ્વારા લંડનમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, ર૦૧૪માં તેઓ ભારતથી ભાગી ગયા હતા. કારણ કે, પોતાની ટીમના કેટલાક સભ્યોના મૃત્યુની ઘટનાના કારણે તેઓ ભયભીત હતા. વ્યક્તિની ઓળખ સૈયદ સુજા તરીકે થઈ છે. તેણે દાવો કર્યો કે, ટેલિકોમ ક્ષેત્રની મોટી કંપની રિલાયન્સ જીયોએ ઓછી ફ્રિક્વેન્સીના સિગ્નલ મેળવવામાં ભાજપની મદદ કરી હતી. જેથી ઈવીએમ મશીનોને હેક કરી શકાય. તેમણે દાવો કર્યો કે, તેઓ જાહેર ક્ષેત્રની ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ઈસીઆઈએલ)ની ટીમના ભાગ હતા. જેમણે ઈવીએમ મશીનની ડિઝાઇન તૈયાર કરી હતી. તેઓ ભારતીય પત્રકાર સંઘ (યુરોપ) તરફથી આયોજિત એક પત્રકાર પરિષદમાં સામેલ થયા હતા. જો કે, તેઓ સ્કાઈપ દ્વારા પર્દા પર જોવા મળ્યા અને તેમના મોઢા પર નકાબ હતો. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે જણાવ્યું છે. પંચે મંગળવારે દિલ્હી પોલીસને લખેલા એક પત્રના માધ્યમથી શુજાની વિરૂદ્ધ દાખલ ફરિયાદમાં જણાવ્યું છે કે, શુજાએ ભાદંસની કલમ પ૦૧(૧)નું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે. આ કલમ જન સામાન્યમાં ભય ઊભો કરનારી અફવા ફેલાવવા સાથે જોડાયેલી છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસને ઘેરી હતી. લંડનમાં શુજાએ પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની હાજરી પર જોરદાર હુમલો કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, સિબ્બલ ત્યાં શું કરી રહ્યા હતા ? તેઓ કઈ હેસીયતથી ત્યાં હાજર હતા ? મારો આરોપ છે કે, તેઓ કોંગ્રેસ તરફથી કાર્યક્રમ પર નજર રાખવા માટે ત્યાં હતા. તેમણે તેને કોંગ્રેસનું આયોજિત ષડયંત્ર ગણાવ્યું હતું. કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજપાર્ટી, સમાજવાદી પાર્ટી, આપ, ટીડીપી સહિત અન્ય કેટલાક વિપક્ષી દળોએ પણ મામલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ચૂંટણી પંચને તેનું સંજ્ઞાન લેવા માટે જણાવ્યું હતું. ચૂંટણીમાં સામાન્ય રીતે ઈવીએમ મશીનોમાં ગડબડ જોવા મળી રહી છે. હાલમાં જ પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ઈવીએમમાં કેટલાક સ્થળો પર મુશ્કેલીઓ સામે આવી હતી. ત્યારબાદ અનેક રાજકીય પાર્ટીઓએ ફરિયાદ કરી હતી. સતત રાજકીય પાર્ટીઓ ઈવીએમને સમાપ્ત કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરતા આવી રહ્યા છે.