(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલ ઉત્તર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજબબ્બર દ્વારા ગુજરાતમાં બેકારી અને શિક્ષણના ખાનગીકરણ તેમજ પાટીદારોની સાથે થયેલ અન્યાયના મુદ્દે સંબોધન કર્યું હતું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજબબ્બરે ઈશ્વરફાર્મ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલિપાઈન્સના ખેડૂતો સાથે ફોટો પડાવે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવી શકતા નથી. પ્રધાનમંત્રી જો ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટનારા પાટીદાર યુવાનો ગુજરાતના પુત્ર નથી એવો સવાલ કર્યો હતો. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલને હેરાન કરી તેમની રાજકીય કારકિર્દી ભાજપે ખતમ કરી નાખી છે. કોંગ્રેસે તો પટેલોને આગળ વધવાનો મોકો આપ્યો છે જેનો દાખલો ચીમનભાઈ પટેલ છે. ગુજરાતમાં બેરોજગારી વધી ગઈ છે ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓના હિત માટે ૬૩ હજાર કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ ગુજરાતના યુવાનોને રોજગારી અપાવી શકતા નથી. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશ નગર નિગમના ચૂંટણી પરિણામોની ઉજવણી ભાજપ સાજીશ રચી ઉજવણી કરી રહી હોવાનું જણાવ્યું હતું. રાજ બબ્બરે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હાર ભાળી ગઈ છે. ગુજરાતના દરેક વર્ગ પાટીદાર, દલિત ઓબીસી દરેકને માર મરાયો છે. મોદી પોતાને ગુજરાતના દીકરા ગણે છે. બીજા ગુજરાતી ગુજરાતના સંતાન નથી તેવા સવાલ કર્યા હતા. વિકાસના મુદ્દા કરતાં ધર્મના મુદ્દાને ઉછાળી રહી છે. રાજ બબ્બરે ફરી ઈવીએમના ગરબડીના મુદ્દા અંગે જણાવ્યું હતું કે યુપીમાં ૭૦ મશીન અમે પકડી હતી. ત્યાં મશીનના કારણે જ ભાજપ જીત્યું હતું ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં ન થાય તે માટે અને ઈવીએમ પર કાળો જાદુ ન ચાલે તે માટે પ્રાર્થના કરીશું. સાથે જ ઈવીએમમાં છેડછાડ થવાની સંભાવના પણ તેમણે ગુજરાતની ચૂંટણીમાં વ્યક્ત કરી હતી. ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તેમાંથી મોટાભાગના દુષ્કર્મની આરોપીઓ પણ ભાજપની પાર્ટીના જ હોય છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના પણ સવાલો ઊભા થયા છે. રાહુલ ગાંધીના સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ રજિસ્ટરમાં નોંધ થતાં ધર્મને લઈને ઊઠી રહેલા સવાલો વચ્ચે રાજ બબ્બરે પણ ઝંપલાવ્યું હતું અને કહ્યું કે ભાજપના પ્રમુખ અમિત શાહનો કયો ધર્મ છે તેઓ હિન્દુ છે કે જૈન એ તેમણે નક્કી કરવું જોઈએ. આમ રાજબબ્બરે અનેક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.