(એજન્સી)નવી દિલ્હી, તા. ૧
મધ્યપ્રદેશમાં ૨૮મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ પુરી થઇ ગઇ છે પરંતુ મતદાન પુરૂં થયાના ૪૮ કલાક બાદ ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ચેડા કે ગરબડ અંગે ભારે હોબાળો સર્જાયો છે. ભોપાલના સ્ટ્રોંગ રૂમમાં શેહરના સાત વિધાનસભા મતવિસ્તારોના ૨,૨૬૫ ઇવીએમ રાખવામાં આવ્યા છે પરંતુ સ્ટ્રોંગરૂપની બહાર લગાવવામાં આવેલી એલઇડી ઓચિંતા બંધ થઇ જવાને કારણે કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ભારે હોબાળો મચાવી દીધો છે અને કાર્યકરો દ્વારા સ્ટ્રોંગરૂમની બહાર દેખાવો કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિભિન્ન સ્થળોએ ઇવીએમ અને વીવીપેટ મશીનો રાખવા માટે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે અને સ્ટ્રોંગરૂમ માટે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભોપાલ, ખુરઇ બાદ હવે સતનાના સ્ટ્રોંગરૂમની અંદર અજ્ઞાત બોક્સ લઇજવાનો વીડિયો વાઇરલ થતા હોબાળો મચી ગયો છે અને કોંગ્રેસ તેમ જ આમ આદમી પાર્ટી (આપ) દ્વારા સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. જોકે પ્રશાસને ભોપાલના સ્ટ્રોંગ રૂમની વિજળી ડૂલ થઇ જવાને કારણે એલઇડી બંધ થઇ ગયું હોવાનો ખુલાસો કર્યો છે પરંતુ આ ખુલાસાથી કોંગ્રેસ અને આપને સંતોષ થયો નથી. ભોપાલના સ્ટ્રોંગરૂમની બહારની એલઇડી આશરે દોઢ કલાક સુધી બંધ રહી હતી. દરમિયાન, ઇવીએમ મશીનો સાથે સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે કોંગ્રેસના નેતાઓના એક પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે પણ કંઇક ખોટું થયું હોવાનો બે વીડિયો પોસ્ટ કર્યા છે. એક સીસીટીવી વીડિયોમાં બે પુરૂષોને સ્ટ્રોંગ રૂમમાંથી બોક્સિસ લઇ જતા બતાવવામાં આવ્યા છે જ્યારે બીજો વીડિયો મતદાન પછી ઇવીએમ મશીનો લઇ જતી એક સ્કૂલ બસનો છે. અહમદ પટેલે લખ્યું છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પરાજય ભાળીને કેટલાક લોકો દ્વારા સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીનો સાથે ચેડા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહમદ પટેલે ઇવીએમ મશીનો સાથે ચેડાની તપાસ કરવા અને દોષિતો સામે નક્કર કાર્યવાહી કરવાની ચૂંટણી પંચને અરજ કરી છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાંતા રાવે જિલ્લાના ચૂંટણી અધિકારી પાસેથી અહેવાલ માગ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપ અને કોંગ્રેસના નેતાઓને નિરીક્ષણ કરવા માટે સ્ટ્રોંગરૂમમાં લઇ જવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના આપના નેતા આલોક અગ્રવાલે જણાવ્યું કે સ્ટ્રોંગરૂમ બહારની એલઇડી બંધ થવાની બાબત એક વિશાળ કાવતરાનો ભાગ છે. જિલ્લા ચૂંટણી અધિકારી સુદામ ખાડેને તાકીદે દૂર કરવા જોઇએ. વાઇરલ થયેલા અન્ય એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ચૂંટણી અધિકારીઓએ બે વીવીપેટ મશીનો ભાજપના નેતાની એક હોટલના એક રૂમમાં રાખી હતી. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ એક ટિ્‌વટમાં જણાવ્યું કે ઇવીએમ મશીનો સુજાલપુરમાં આવેલી ભાજપના નેતાની હોટલમાંથી મળી આવી હોવાથી મધ્યપ્રદેશના ઘટનાક્રમો બતાવે છે કે સ્ટ્રોંગરૂમમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી.