(એજન્સી) ભોપાલ, તા.૧
મધ્યપ્રદેશમાં મતદાન થયાના બે દિવસ બાદ EVM મશીનો સ્ટોરેજ ખાતે પહોંચતા ભારે હોબાળો સર્જાયો છે. રાજ્યના સાગર ખાતેના સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ મશીનો શુક્રવારે પહોંચી હતી. જ્યારે રાજ્યમાં મતદાન બુધવારે પૂરૂં થઇ ગયું હતું. એટલું જ નહીં, સાગર જિલ્લાના ખુરઇ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ઇવીએમ મશીનો રાખવામાં આવી હતી. ખુરઇ ભાજપના ધારાસભ્ય અને રાજ્યના ગૃહ પ્રધાન ભુપેન્દ્રસિંહનો મતવિસ્તાર છે. અહીં ભુપેન્દ્રસિંહ કોંગ્રેસના ઉમેદવાર અરૂણોદય ચૌબે સામે ચૂંટણીમાં ઝંપ લાવ્યા છે. મતદાન પૂરૂં થયાના ૪૮ કલાક બાદ ગૃહ પ્રધાનના મતવિસ્તારમાં રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની એક બસનો ઉપયોગ કરીને ઇવીએમ મશીનો ક્લેક્શન સેન્ટર સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઘટના અંગે મધ્યપ્રદેશ કોંગ્રેસે એવું ટિ્‌વટ કર્યું કે શું ભાજપના વિજયની ખાતરી કરવા માટે સરકારનું આ ષડયંત્ર છે ? જો કે, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે આ ઇવીએમ મશીનોનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ટેકનિકલ ખામી સર્જાવાની સ્થિતિમાં ઉપયોગ કરવા માટે આ ઇવીએમ મશીનો તૈયાર રાખવામાં આવી હતી. આ ઇવીએમ મશીનો કેટલાક પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવી હતી. મતદાન માટે ઉપયોગ કરાયેલી ઇવીએમ મશીનોથી આ ઇવીએમને અલગ રાખવામાં આવી હતી.