(એજન્સી) તા.૨૯
શાસક ભાજપ અને બીજેડી સહિત અન્ય ત્રણ પક્ષો સિવાય ૧૫ મુખ્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીનના બદલે જૂની બેલેટ પેપર પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં. તેમણે ચૂંટણી પંચ દ્વારા બોલાવવામાં આવેલ સર્વપક્ષીય બેઠકમાં એક સાથે ચૂંટણી યોજવાના ભાજપના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો.
ઇવીએમના ત્રણ મુખ્ય મુદ્દા પર ભાજપ સાવ એકલો પડી ગયો હતો અને તેના સૌથી જૂના સાથી પક્ષ શિવસેનાએ પણ આ બાબતમાં ભાજપને સમર્થન આપ્યું ન હતું. આ બેઠકમાં ચૂંટણી ભંડોળની પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે મતદાર યાદી, ચૂંટણી ખર્ચ નિયમન અને ચૂંટણી પ્રચારમાં પ્રિન્ટ મીડિયાનો સમાવેશ અને ઇવીએમ સહિતના મુદ્દાઓ ચર્ચવા માટે તમામ માન્ય રાષ્ટ્રીય અને રાજ્યના રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર એ કે રાવતે એવી ખાતરી આપી હતી કે રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પંચ દ્વારા ધ્યાન પર લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રાવતે જણાવ્યું હતું કે આ બેઠકમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવશે. સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે જો બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવી શક્ય ન હોય તો વિકલ્પ તરીકે ઇવીએમ સાથે લગાવવામાં આવતા વીવીપેટમાં ઓછામાં ઓછા ૩૦ ટકા તપાસ કરાવામાં આવે કે જેથી દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ શકે.
તેમણે જણાવ્યું હતું કે બીજો મુદ્દો ચૂંટણીમાં ખર્ચ નિયંત્રીત કરવાનો હતો. આપ જાણો છો કે એક પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં કઇ રીતે પૈસા વહેડાવ્યા હતા. આથી અમે એવી માગણી કરી છે કે ખર્ચને મર્યાદિત કરવામાં આવે. અમારી આ બંને માગણીઓને ૭૦ ટકા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ, સીપીઆઇએમ, સીપીઆઇ, બસપા, ટીએમસી અને ડીએમકે, સપા, રાજદ અને અન્ય પક્ષોએ ઇવીએમના ઉપયોગ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે માગણી કરી છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં ઇવીએમના સ્થાને બેલેટ પેપરનો ઉપયોગ કરવો જોઇએ.