અમદાવાદ,તા.૧૮
પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર નિશાનો સાધતા તેણે ઈવીએમની જીત બતાવી છે. હાર્દિકે કહ્યું કે જયારે એટીએમ હેક થઈ શકે છે તો ઈવીએમ કેમ હેક ન થઈ શકે ? તેઓએ આરોપ લગાવ્યો કે, ભાજપે રૂપિયા જોરે આ જીત હાંસલ કરી છે. હાર્દિકે પત્રકાર પરિષદમાં કહ્યું કે ૧ર-૧પ બેઠકો પર હાર-જીતનો અંતર ર૦૦-૧૦૦૦ મતો વચ્ચે રહ્યો છે. જે ઈવીએમની અંદર ફરીથી ગણતરી થઈ છે. ત્યાં જ બદલાવ આવ્યો છે. ઈવીએમ ટેમ્પરિંગ એક મોટો મુદ્દો છે. હાર્દિકે ભાજપા અધ્યક્ષ અમિત શાહ પર આડકતરી રીતે નિશાનો સાધતા કહ્યું કે, આ કોઈ ચાણકયની જીત નથી. હાર્દિકે ભાજપને જીત પર અભિનંદન પણ પાઠવ્યા છે. હાર્દિકે કહ્યું કે, મજબૂત પટેલ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપની જીત પર ઈવીએમની છેડછાડ ન થાય એવું બની ન શકે, આ વિસ્તારોમાં ભાજપની જીત ઘણા સવાલો ઉભા કરે છે.