(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
મહારાષ્ટ્ર્‌ અને ઉત્તરપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાંથી ઇવીએમ મશીનોમાં ગરબડ હોવાની ફરિયાદો આવતા ચૂંટણી પંચે સોમવારે કહ્યું હતું કે, વધુ ગરમી હોવાને કારણે મશીન કામ કરવાનું બંધ કરી રહ્યા છે. ૧૦ રાજ્યોમાં ૧૪થી વધુ સ્થળો પર યોજાયેલી આ ચૂંટણી પરલગભગ આખા દેશની નજર છે કારણ કે આ ચૂંટણીઓમાં ભાજપ વિરૂદ્ધ સમગ્ર વિપક્ષ એક થયો છે. મહારાષ્ટ્રના પાલઘર અને ભંડારા ગોંડિયા સંસદીય વિસ્તારમાં પણ ચૂંટણી થઇ રહી છે જ્યાં ભાજપ પરત આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અહીં મતગણતરી ગુરૂવારે થશે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મોટાભાગે વોટિંગ મશીનોમાં થયેલી ગરબડના આરોપોને અતિશયોક્તિ ગણાવતા ચૂંટણી પંચે કહ્યું કે, તેઓ આ મશીનોને યોગ્ય કરવા પગલાં લઇ રહ્યા છે. ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા સંસદીય વિસ્તારમાં ૩૫ બૂથો પરનું મતદાન રદ કરવાના અહેવાલો ખોટા છે.
૨. કૈરાનામાં આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને ૧૫૦ વોટિંગ મશીનો ખરાબ હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. આ વિસ્તારના સૌથી મોટા મતદાન મથકમાં ૧૦ મતદાન મશીનો બંધ થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા જ્યાં સવારે ૧૧ વાગ્યા સુધી જ ૨૧ ટકા મતદાન થઇ ગયું હતું.
૩. અહીંના સાંસદ હુકુમસિંહના અવસાન બાદ બેઠક ખાલી પડતા ભાજપે તેમની પુત્રી મૃગાંકાસિંહને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. વિપક્ષના પડકાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ભાજપી નેતાઓએ અહીં ઉગ્ર પ્રચાર કર્યો હતો. રવિવારે પ્રધાનમંત્રી મોદીએ પણ બાગપતમાં જાહેરસભા સંબોધી હતી.
૪. વિપક્ષને આશા છે કે, તબસ્સુમ હસનને દલિતો, જાટ અને મુસ્લિમોના મત મળી રહેશે જેના કારણે તેઓ જીતી જશે. વિપક્ષ ગોરખપુર અને ફૂલપુર જેવી સફળતા મેળવવા માગે છે જ્યાં યોગી આદિત્યનાથના ગઢમાં સપા અને બસપાએ ગાબડું પાડ્યું હતું.
૫. ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધો વણસેલા હોવાથી મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક પર વધુ તંગદિલી છવાઇ હતી. તાજેતરમાં જ અવસાન પામેલા ભાજપના ચાલુ ધારાસભ્યના પુત્રને શિવસેનાએ ટિકિટ આપતા ભાજપે કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગાવિતને ટિકિટ આપી હતી જેઓ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
૬. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા મતવિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, ખરાબ ઇવીએમને કારણે ૩૫ બૂથો પર મતદાન રોકી દેવામાં આવ્યું હતું. ભાજપના ચાલુ સાંસદ નાના પટોલે કોંગ્રેસમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપે પૂર્વ ધારાસભ્ય હેમંત પાટલેને ટિકિટ આપી છે જેની સામે કોંગ્રેસના સમર્થનથી એનસીપીએ મધુકર કાડેને ઉતાર્યા છે.
૭. નૈફિયુ રિયોએ રાજીનામું આપી મુખ્યમંત્રી બનતા નાગાલેન્ડની વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તાજેતરમાં જ તેમની એનડીપીપીએ ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. અહીં આજે ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત સભ્યો વચ્ચે સીધી લડાઇ હતી.
૮. કેરળના ચેંગન્નૂરમાં કોંગ્રેસને વિધાનસભા બેઠક જીતવાની આશા છે જ્યાં ડાબેરી મતદારો પણ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે. ભાજપને પણ ચેંગન્નૂરમાં સારા પ્રદર્શનની આશા છે જયાં તેણે ૨૦૧૬માં વિધાનસભા ચૂંટણીઓમાં ભાગ લીધો હતો.
૯. બિહારની જોકીહાટ બેઠક મુખ્યમંત્રી નીતિશકુમાર માટે શાખનો સવાલ છે જ્યાં તેઓએ ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન કરતા તેમના ધારાસભ્ય સરફરાઝ આલમ આરજેડી સાથે જોડાયા હતા જેના કારણે આ બેઠક ખાલી પડી છે.
૧૦. મેઘાલયના ગારો હિલમાં અંપાતી વિધાનસબા બેઠક પર એનપીપી સમર્થિત મુખ્યમંત્રી કોનરેડ સંગમા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા વચ્ચે સીધી લડાઇ છે.

ખુદ ભાજપના ઉમેદવાર મૃગાંકાએ પણ કૈરાનામાં ઇવીએમ સામે
સવાલ ઉઠાવી કહ્યું, ‘આને હું ભગવાન પર છોડું છું’

ઉત્તરપ્રદેશના કૈરાનામાં પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર મૃગાંકાસિંહે પણ સેંકડો મશીન કામ કરવાનું બંધ કર્યા બાદ ઇવીએમ મશીનો સામે સવાલ ઉઠાવ્યા હતા. મૃગાંકાના પિતા હુકુમસિંહના મોત બાદ આ બેેઠક ખાલી પડી હતી. ઇવીએમમાં ખામી સર્જાયા બાદ ઘણા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, અમારા મતદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ ત્રણ કલાક લાઇનમાં ઊભા રહ્યા છતાં મતદાન કરી શકતા નહોતા. ખામીયુક્ત ઇવીએમને કારણે તેમની ચૂંટણી આશા ધોવાઇ જશે તેવો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, હવે હું બધું ભગવાન પર છોડી રહી છું. ઇવીએમમાં ખામીના આરોપો સમગ્ર વિપક્ષ સહિત એનડીએના જૂના સાથી શિવસેનાએ પણ લગાવ્યા હતા.

વધુ તાપમાનથી વોટિંગ મશીનો ખરાબ થયા તે આશ્ચર્યજનક : પ્રફુલ પટેલ

મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા લોકસભા મતવિસ્તારમાં યોજાયેલી ચૂંટણીઓમાં મોટાપાયે મતદાન મશીનો ખરાબ થયાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે અજીબોગરીબ દલીલ કરી હતી કે, અસામાન્ય તાપમાનને કારણે વોટિંગ મશીનો કામ કરવાનું બંધ કર્યું હતું. જોકે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલે કહ્યું હતું કે વોટિંગ મશીનો ગરમીને કારણે કામ કરવાનું બંધ કરે તે આશ્ચર્યજનક દાવો છે. તેમણે સવાલ કર્યો હતો કે, એપ્રિલમાં પણ અહીં ૪૫ ડિગ્રી ગરમી હોય છે તો તમે એમ કહેવા માગો છો કે આપણે એપ્રિલમાં પણ અહીં ચૂંટણી યોજવી જોઇએ નહીં. ૨૦૧૪માં અહીંથી લોકસભા ચૂંટણી હારી ગયેલા પ્રફુલ પટેલે કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે, અહીં ૨૫ ટકા મશીનો કામ કરતા નહોતા. આજ મશીનો તાજેતરની ગુજરાતની ચૂંટણીઓમાં રાખવામાં આવ્યા હતા અને તેમાં પણ ફરિયાદો આવી હતી. તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે, કેટલાક વીવીપેટમાંથી સ્લીપ બહાર આવતી નહોતી.

જ્યાં જરૂર લાગશે ત્યાં ફરી મતદાન યોજાશે : ચૂંટણી પંચ

દેશના ૧૦ રાજ્યોના ૧૪ લોકસભા-વિધાનસભા મતદાન વિસ્તારોમાં આજે પેટાચૂંટણીઓ યોજાઇ હતી જેમાં મોટાભાગના વિસ્તારોમાં ઇવીએમ મશીનો ખામીયુક્ત હોવાની ફરિયાદો ઉઠી હતી. મહારાષ્ટ્રની ભંડારા-ગોંદિયા લોકસભા બેઠક પર ઘણા મશીનો ખામીયુક્ત દેખાતા એનસીપીના પ્રફુલ પટેલે કહ્યું કે, આશરે ૨૫ ટકા ઇવીએમ મશીનો ખરાબ છે ત્યારે ચૂંટણી પંચ કહે છે કે, ગરમીને કારણે મશીનો યોગ્ય કામ કરતા નથી તે આશ્ચર્યજનક તર્ક છે. આ દરમિયાન ચૂંટણી પંચે મોટાપાયે ઇવીએમ મશીનો કામ નહીં કરતા હોવાના દાવાને અતિશયોક્તિ ગણાવી કહ્યું હતું કે તેમ છતાં જ્યાં જરૂર લાગશે ત્યાં ફરી મતદાન યોજવામાં આવી શકે છે.

કૈરાના પેટાચૂંટણીમાં ૨૦૦થી વધુ ખામીયુક્ત EVM મુદ્દે એસપી-આરએલડી ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા

કૈરાનાની ચૂંટણીમાં પોતાના સંયુક્ત ઉમેદવાર ઉતાર્યા બાદ સપા અને આરએલડી ગોરખપુર અને ફૂલપુરની જેમ ભાજપ પર વિજય મેળવવા માટે મથી રહ્યા છે ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, કૈરાનામાં મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં જ ૨૦૦થી વધુ ઇવીએમ મશીનો કામ કરવાનું બંધ કર્યું હતું. ચૂંટણી પંચને લેખિતમાં આપેલી ફરિયાદમાં સપા-આરએલડીના સંયુક્ત ઉમેદવાર તબસ્સુમ હસને કહ્યું છે કે, કૈરાના અને નૂરપુરના મોટાભાગના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનો કામ કરી રહ્યા નથી. આ ચિંતાજનક બાબતને વારંવાર ઉઠાવવા છતાં કોઇ ચૂંટણી અધિકારી અમારી વાત સાંભળવા તૈયાર નથી. જે બૂથો પર ઇવીએમ કામ કરવાનું બંધ થયા છે તેવા બૂથોની માહિતી અમે આપી રહ્યા છીએ. કૈરાનામાં શામલી, કૈરાના સિટી ગંગોહ, નક્કુ અને થાનાભવનમાં મશીનો કામ નહી કરવાની ફરિયાદો થઇ હતી. નૂરપુરમાંથી સમાજવાદી પાર્ટીના નઇમુલ હસન ભાજપના ઉમેદવાર અવની સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે.

યુપીમાં ભાજપ વિરૂદ્ધ વિપક્ષ : દ્વારા ૨૭૦ EVM મશીનો ખરાબ હોવાનો આરોપ

(એજન્સી) લખનૌ, તા. ૨૬
સોમવારે ૧૦ રાજ્યોમાં લોકસભા તથા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાઇ રહી હતી ત્યારે ઉત્તરપ્રદેશના કૈરાના અને નૂરપુરમાં ઇવીએમ મશીનો ખરાબ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. આ વિસ્તારમાં ભાજપ સામે સમગ્ર વિપક્ષ એક થઇ ગયો છે. સમગ્ર તરફથી એકમાત્ર આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપ પર મશીનોમાં ગરબડ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે પણ જણાવ્યું હતું કે, તેમને કૈરાના તથા નુરપુરમાંથી ૨૭૦ ખરાબ ઇવીએમ મશીનો હોવાની ફરિયાદો મળી છે. બીજી તરફ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઇવીએમ મશીનોએ કામ કરવાનું બંધ કર્યું ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે, વધુ પડતી ગરમી હોવાને કારણે મશીનો ખરાબ થયા હતા. ઉત્તરપ્રદેશના કૈરાના અને નૂરપુર તથા મહારાષ્ટ્રના પાલઘર, ભંડારા ગોંદિયા અને નાલાલેન્ડ લોકસભા વિસ્તારમાં લોકસભા ચૂંટણીઓ યોજાઇ હતી. આમ સોમવારે ચાર લોકસભા અને ૧૦ વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. દરમિયાન ઘણા ભાગોમાં ઇવીએમ અને વીવીપેટ મશીનો ખરાબ થવાના અહેવાલો મળ્યા હતા જેના કારણે મોટા પ્રમાણમાં વિપક્ષે ભાજપ પર ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો. કેટલાક સ્થળો પર તો મોકપોલ દરમિયાન જ ઇવીએમ બદલાયા જ્યારે ઘણા સ્થળોએ ચાલુ મતદાન દરમિયાન મશીનો બદલાયા હતા.

દરેક EVM સાથે ચેડાં, દલિત, મુસ્લિમ વિસ્તારોમાં ખામીયુક્ત મશીનો બદલાયા નથી : વિપક્ષનો આરોપ

કૈરાના લોકસભા બેઠકના વિપક્ષ તરફથી સર્વસંમત આરએલડી ઉમેદવાર તબસ્સુમ હસને મતદાન કર્યા બાદ ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મશીનોમાં દરેક સ્થાને છેડછાડ કરવામાં આવી રહી છે. મુસ્લિમ અને દલિતોના બહુમતીવાળા વિસ્તારમાં ખરાબ મશીનો હટાવાયા નથી, ભાજપ એવું વિચારે છે કે આમ કરીને ચૂંટણી જીતી શકાય છે પણ હું તેમ થવા દઇશ નહીં. તેમણે જણાવ્યું કે, દરેક જગ્યાએ મશીનો સાથે ચેડાં થયા છે અને દલિત તથા મુસ્લિમ વિસ્તારોમાં ઇવીએમ મશીનો બદલાયા નથી. તેઓ વિચારતા હતા કે રમઝાન દરમિયાન કોઇ મતદાન કરવા નહીં આવે પરંતુ મોટી સંખ્યામાં લોકો આવતા તેઓ ગભરાઇ ગયા છે. ઉત્તરપ્રદેશમાં પક્ષના સંગઠન સચિવ રાજકુમાર સાંગવાને કહ્યું કે, આશરે ૨૫૦ બૂથો પર ઇવીએમ મશીનો ખામીયુક્ત છે. સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, નુરપુરમાં પણ ૧૪૦ ઇવીએમ મશીનો ખામીયુક્ત છે અને આજ પ્રકારની ફરિયાદો કૈરાનામાંથી પણ આવી રહી છે. ભાજપ આ રીતે ગોરખપુર અને ફૂલપુરની ચૂંટણીનો બદલો લેવા માગે છે.