(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૨
ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આગામી ૫મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બિલપાડ ગામે આવેલા સરસ્વતી વિદ્યાલય સ્થિત પરીક્ષા કેન્દ્રમાં તંત્ર દ્વારા એક જ પરીક્ષા કેન્દ્રના બે અલગ- અલગ બ્લોક પાડી દેવામાં આવ્યા છે. એક બ્લોક સરસ્વતી વિદ્યાલય સ્થિત પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. જ્યારે બીજો બ્લોક પાંચ કિ.મી. દૂર આવેલી બામણગામ ગંભીરા માધ્યમિક શાળામાં રાખવામાં આવેલ છે જેના કારણે અડધા વિદ્યાર્થીઓ બિલપાડ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપશે. જ્યારે અડધા વિદ્યાર્થીઓને પાંચ કિ.મી. દૂર આવેલા બામણગામ ગંભીરા માધ્યમિક શાળાના બ્લોકમાં પરીક્ષા આપવા જવું પડશે જેને લઈનેે પરીક્ષાર્થીઓને અવર-જવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડશે જેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા એક જ પરીક્ષા કેન્દ્રનો બે અલગ-અલગ બ્લોકમાં ફાળવણી કરાવતા વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ સૂત્રોચ્ચાર કરી એક જ પરીક્ષા કેન્દ્રના બે અલગ-અલગ ગામમાં બ્લોક મૂકવાનો વિરોધ કર્યો હતો અને જો એક જ પરીક્ષા કેન્દ્ર ખાતે બંને બ્લોક બનાવવામાં નહીં આવે તો પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈને વાલીઓ અને બિલપાડ ગામના ગ્રામજનો દ્વારા પણ વિદ્યાર્થીઓની આ માગણીને સમર્થન આપવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા પણ એક જ પરીક્ષા કેન્દ્રના બે જુદા-જુદા બ્લોક બનાવવાનો વિરોધ કર્યો છે. તેમજ એક જ પરીક્ષા કેન્દ્ર હોવા છતાં બે બ્લોક પાંચ કિ.મી.ના અંતરે આવેલા બીજા ગામમાં મૂકવામાં આવતા જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે પાંચ કિ.મી દૂર આવેલી શાળામાં પરીક્ષા આપવા જવું પડશે. જો બંને બ્લોક ભેગા કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જેના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી પર તેની અસર પડશે. ત્યારે તંત્ર દ્વારા આ બંને બ્લોક એક જ પરીક્ષા કેન્દ્ર હેઠળ ભેગા આવરી લેવાની માંગ કરવામાં આવી છે. જો કે, આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો જેને લઈને આ મુદ્દે તેઓ સાથે કોઈ ચર્ચા થઈ શકી ન હતી. હાલમાં તો બે બ્લોક અલગ-અલગ ગામમાં મૂકવાના તંત્રના તગલખી નિર્ણયને લઈને વિદ્યાર્થીઓ લાલઘૂમ થયા છે અને તેઓએ બંને બ્લોક ભેગા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ગામના અગ્રણીઓ પણ બંને બ્લોક ભેગા કરવાની વિદ્યાર્થીઓની માંગનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા શું પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું.