અમદાવાદ, તા. ૨૮
ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના ગંભીર બનાવો જે શાળાઓમાં નોંધાયા હતા, રાજયની તેવી ૩૯ શાળાઓને ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું કેન્દ્ર નહીં આપવાનો બહુ મહત્વનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ અન્ય શાળાઓમાં આ કેન્દ્રો ફાળવવામાં આવશે અને જો કેન્દ્રો નહીં મળે તો માત્ર બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહી, બોર્ડ દ્વારા શાળાના સ્ટાફની જગ્યાએ તેમના અલગ સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જે સમગ્ર પરીક્ષાનું મોનીટરીંગ કરશે. બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિની પોલીસ તપાસમાં અમદાવાદના દાણીલીમડામાં આવેલ સ્કૂલનું નામ ખુલ્યું છે અને આ જ શાળામાંથી પેપર લીક થયું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જેને પગલે શિક્ષણ વિભાગે દાણીલીમડાની સ્કૂલને આપવામાં આવેલો ઇન્ડેક્સ નંબર રદ કર્યો છે. જેથી હવે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આ સ્કૂલમાં પણ યોજાશે નહીં. તેની સાથે સાથે રાજ્યમાં જે જે શાળાઓમાં જાહેર પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, તે અંગેની તમામ વિગતો પણ શિક્ષણ વિભાગ દ્વારા ગૌણ સેવા મંડળ અને પંચાયત વિભાગ પાસેથી લેખિતમાં મંગાવવામાં આવી છે જેને આધારે બીજી અન્ય શાળાના બોર્ડના પરીક્ષા કેન્દ્રો રદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના ગંભીર બનાવો જે શાળાઓમાં નોંધાયા હતા, રાજયની તેવી ૩૯ શાળાઓને ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું કેન્દ્ર રદ કરવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવાતાં આ શાળાઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. શિક્ષણજગતમાં પણ બોર્ડના આ નિર્ણયની પ્રશંસા થતી જોવા મળી હતી.
રાજ્યની ૩૯ શાળાઓના ધો.૧૦-૧રના પરીક્ષા કેન્દ્રો બોર્ડ દ્વારા રદ્દ કરાયા

Recent Comments