Ahmedabad

પ્રાથમિક શાળાઓમાં હવે બોર્ડની પદ્ધતિથી પરીક્ષા લેવાશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧પ
રાજ્યની સરકારી શાળાઓમાં પણ હવે બોર્ડની સ્ટાઈલમાં પરીક્ષા લેવાશે. ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે સમગ્ર રાજયમાં એક સરખા પ્રશ્નપત્ર રહેશે. જયારે પરીક્ષામાં સુપરવાઈઝર અને પેપર ચકાસણીની પ્રક્રિયામાં પણ આ મૂળ પરિવર્તન કરવામાં આવ્યા છે. એટલે રાજયની પ્રાથમિક શાળાઓની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓમાં અત્યારથી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે તેઓને માનસિક રીતે તૈયાર થઈ જાય તેવું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીને બદલે સમજણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરે તેવા આશયે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં એક સમાન પ્રશ્નપત્ર રાખવાનો નિર્ણય કર્યો છે. ધોરણ-૩થી ૮માં તા.ર૪ ઓકટોબરથી તા.૧ નવેમ્બર સુધી યોજાનારી સત્રાંત પરીક્ષામાં જે તે શાળામાં અન્ય શાળાના શિક્ષકોને સુપરવાઈઝરની કામગીરી સોંપવામાં આવશે. સામાન્ય સંજોગોમાં સુપરવાઈઝરોની ફેરબદલી અરસપરસની શાળામાં ના થાય તેનું ધ્યાન રાખવા કહેવાયું છે. સત્રાંત પરીક્ષાની જવાબદારીઓનું બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું રહેશે. એટલે કે જે તે શાળાના શિક્ષકના બદલે અન્ય શાળાના જે તે ધોરણ અને વિષય ભણાવતા શિક્ષકને પેપર તપાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવશે. જેમાં એક શાળામાં એક જ ધોરણમાં ત્રણ વિષયના પેપર હોય તો ત્રણેય વિષયના પેપર અલગઅલગ શાળાના શિક્ષકો પાસે ચેકીંગ માટે જશે. આમ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજયની આશ્રમ શાળા, જિલ્લા પંચાયતની શાળા કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત શાળા અને ગ્રાન્ટેડ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૩થી ૮ની પરીક્ષામાં બોર્ડની જેમ એક સરખા પેપર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલાં બોર્ડની તૈયારી કરતા હોય તેવો અહેસાસ થશે. એટલે આ વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર રહેશે નહીં.

નવી પરીક્ષા પદ્ધતિનો પ્રથમ સત્રાંત પરીક્ષાથી અમલ થશે

રાજયના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં પરીક્ષા પધ્ધતિમાં કરેલા ફેરફાર અંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના નિર્ણયને પગલે તા.ર૪ ઓકટોબરથી ધો.૩થી ૮ની શરૂ થતી પ્રથમ સત્રાંત પરીક્ષામાં આ નવી પરીક્ષા પધ્ધતિનો અમલ કરાશે. આ પરીક્ષા પધ્ધતિને લઈને અમદાવાદમાં સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પરીક્ષા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે જે શાળામાં પરીક્ષા હોય તેમાં સુપરવાઈઝર અન્ય શાળાના મુકવામાં આવ્યા છે. આ પરીક્ષા પધ્ધતિથી શિક્ષકો પણ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપતા થશે. તેમજ વિદ્યાર્થીઓ પણ હવે સમજણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરશે. એમ લગધીર દેસાઈએ જણાવ્યું હતું.

પરીક્ષા પદ્ધતિમાં પરિવર્તનને લીધે શિક્ષકોની
લાલિયાવાડીનો અંત આવશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે ધોરણ-૩થી ૮ની પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા પધ્ધતિમાં પરિવર્તન લાવીને બોર્ડની સ્ટાઈલમાં એક સમાન પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્ર ચકાસણી જુદી જુદી શાળાઓમાં કરાવવાના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. આ નિર્ણયથી હવે સરકારી શાળાઓના શિક્ષકો જે અભ્યાસ મામલે ગંભીરતા દાખવતા ન હતા. તેમજ પરીક્ષામાં પોતાની મરજી મુજબ વિદ્યાર્થીને પાસ કરી દેતા હતા. તેના ઉપર હવે તવાઈ આવશે. કેમ કે આ નિર્ણયને લીધે હવે દરેક સરકારી શાળામાં અભ્યાસ કરાવવો જરૂરી બની જશે. જો વિદ્યાર્થીને અભ્યાસ કરાવ્યો નહીં હોય તો તે વિદ્યાર્થીને હવે પાસ કરવો મુશ્કેલ બની જશે. કેમ કે વિદ્યાર્થીના પેપરની તપાસ અન્ય શાળામાં થશે. ત્યારે હવે સરકારી શાળાઓમાં શિક્ષકોની લલિયાવાડી નીતિનો અંત આવશે.