(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
તાજેતરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ-૩ની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં આ ભરતી કૌભાંડ મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતા મસમોટું કૌભાંડ હોવાનું જણાવી રાજ્ય સરકાર પર પસ્તાળ પાડી હતી. કોંગ્રેસે ગેરરીતિ અંગેના સીસીટીવી ફૂટેજ જારી કરી જો સરકાર દ્વારા પગલાં નહીં ઊઠાવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં લેવાયેલી બિનસચિવાય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતાં. સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ. વિદ્યાલયમાં ૧રથી ર વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક ૧.૧૪ વાગે ક્લાસ રૂમ છોડીને બહાર જાય છે અને અંદાજે ૩૦ મિનિટ પછી ક્લાસરૂમમાં પરત આવે છે અને આવ્યા પછી ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે. અન્ય એક કિસ્સામાં સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક ૧.૧૪ વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાના મોબાઈલમાં કેદ કરતો દેખાય છે. આ સમગ્ર મામલાનો એનએસયુઆઈ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લે લેવાયેલી ૧૧ પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરૂદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસીટીવી ફૂટેજની માગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં શિક્ષણનું વ્યાપારીકરણ અને ખાનગીકરણ થયું છે. તલાટી-કમ-મંત્રી, લોકરક્ષક, બિનસચિવાલય સહિતની સ્પર્ધામાં પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના બની રહી છે. આ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. તત્કાળ કડક પગલાં નહીં લેવાય તો રાજ્યના યુવાનોને સાથે રાખીને મુખ્યમંત્રીનો ઘેરાવ કરાશે. સરકારની મીલીભગતથી યુવાનોને ભોગવવું પડે છે. મહિપાલસિંહે કહ્યું હતું કે, અમે અનેક જિલ્લાના સીસીટીવી ફૂટેજ માંગ્યા છે પણ આપવામાં આવ્યા નથી. સરકાર આની તપાસ ન કરે ત્યાં સુધી પરિણામ જાહેર કરવું જોઈએ નહીં તથા આ પરીક્ષા રદ્‌ કરવી જોઈએ.

અસિત વોરાએ ઉતાવળે બોલાવેલી પી.સી.માં પણ ભાંગરો વાટ્યો

બિનસચિવાયલ પરીક્ષા ભરતી કૌભાંડને લઈ રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો થતા હવે મામલો ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા આજે ગેરરીતિના પુરાવા સીસીટીવી ફૂટેજરૂપે રજૂ કરવામાં આવ્યા છે, ત્યારે ઊંઘમાંથી સફાળા જાગેલા તંત્રએ ઉતાવળે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં ગુજરાત ગૌણ સેવા પરિષદના ચેરમેન અસિતવ વોરાએ ખૂબ મોટો ભાંગરો વાંટ્યો હતો. અસિત વોરા દ્વારા બિનસચિવાલય પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા ૩૪,૦૦૦ બતાવવામાં આવી હતી. જો કે, કેન્દ્રોની અસલ સંખ્યા ૩,૧૩૪ હતી. આ દરમિયાન અસિત વોરાએ સરકારનો બચાવ કરતા ગોળ-ગોળ વાતો કરી હતી અને પૂરતી માહિતી ન હોવા છતાં ઉતાવળે પત્રકાર પરિષદ બોલાવી હતી. આ સાથે જ આસિત વોરાએ જણાવ્યું હતું કે, જે સેન્ટર પર ચોરી થયાની ફરિયાદો આવી છે તેના માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તેમજ આ મામલે જે વ્યક્તિ દંડને પાત્ર હશે તેના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેમને તે વાતની ચોખવટ કરી ન હતી કે, કોની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ મામલે પૂરાવા મળતાની સાથે જ કાર્યવાહી કરવાની વાત કરી હતી, કોંગ્રેસ પાસે પુરાવા છે, પરંતુ અસિત વોરાને પૂરાવા નથી દેખાતા. અસિત વોરાને તો એ વાતની પણ જાણકારી નથી કે ક્યાં સેન્ટર પર કેવી સુવિધા હતી. અંતે સવાલોના મારાથી પરેશાન અસિત વોરાએ ચાલતી પકડી હતી.