અમદાવાદ, તા.૯
ભારતના ચૂંટણી પંચે દેશમાં યોજાનાર લોકસભાની સામાન્યા ચૂંટણીઓ-૨૦૧૯ તેમજ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે લોકપ્રતિનિધિત્વ. અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૬-એની પેટા કલમ (૧),(ર) હેઠળ તા.૧૧-૪-૨૦૧૯ને ગુરૂવાર સવારના ૭-૦૦ કલાકથી તા.૧૯-૫-૨૦૧૯ને રવિવારના સાંજના ૬-૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન એક્ઝિટ પોલ યોજવા કે કોઇપણ એક્ઝિટ પોલના પરિણામો પ્રિન્ટસ અને ઇલેકટ્રોનીક મીડિયા પર પ્રકાશિત કરવા કે પ્રસિદ્ધ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે, એમ સંયુકત મુખ્યા નિર્વાચન અધિકારી જયદિપ દ્વિવેદીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર લોકપ્રતિનિધિત્વિ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૬(૧) બી હેઠળ મતદાન પુરૂ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઓપીનીયન પોલ કે મતદાન અંગેનું કોઇપણ સર્વેક્ષણ સહિતની કોઇપણ ચૂંટણી બાબતની સામગ્રી કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીક માધ્યમ પર પ્રદર્શિત કરવા પ્રતિબંધ રહેશે. બીજી તરફ રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટણી ફરજ પરના તમામ સ્ટાફને સ્વાસ્થ્ય બગડવા પ્રસંગે ‘‘કેશલેસ’’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ અનુસાર ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ મુલ્કી તથા પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ, કેન્દ્રીય હથિયારી પોલીસ દળના સ્ટાફ, ચૂંટણી ફરજ પરના ડ્રાયવર/ક્લીનર (રેક્વિઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાયવર/ક્લીનર સહિત) ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના વીડિયોગ્રાફર તમામ સ્ટાફને આ કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારની જિલ્લા, તાલુકા કક્ષાએ આવેલ હોસ્પિટલો તેમજ મેડિકલ સંલગ્ન હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફને નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે. બહારની દવાઓ, ઇમ્પ્લાન્ટનો ખર્ચ પણ હોસ્પિટલ દ્વારા અપાશે. આ ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને ઇન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે પણ નિઃશુલ્ક સારવાર પૂરી પડાશે તથા તેનો સંભવિત ખર્ચ રી-એમ્બર્સ કરવાનો રહેશે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીના પ્રમાણપત્રના આધારે તાકીદના સંજોગોમાં નજીકની ખાનગી હોસ્પિટલોમાં પણ કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરની ફરજ પરના સ્ટાફને જ્યારથી ચૂંટણી ફરજ સોંપવામાં આવે ત્યારથી ચૂંટણી ફરજ પૂર્ણ થાય તે દિવસ સુધી આ સુવિધા મળવાપાત્ર રહેશે.