(એજન્સી) તા.૧પ
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ.એસ.વાય.કુરૈશીએ જણાવ્યું છે કે, એક્ઝિટપોલ દ્વારા જાહેર કરાતા ચૂંટણીના સંભવિત પરિણામો એક ગેરકાયદેસર પ્રક્રિયા છે. પોલ દ્વારા આંકડા બહાર પાડનારાઓ કયા આધારે અનુમાનો દર્શાવે છે ? જ્યારે ચૂંટણીઓ પૂરી થયાને માત્ર કલાક જ થયો હોય. કુરૈશીએ જણાવ્યું કે, ઘણા બધા લોકોને ખબર નથી કે લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ આ પ્રકારનું વર્તન અને અનુમાનો જાહેર કરવા પ્રતિબંધિત છે. પ્રથમ તબક્કે જ કયા આધારે અનુમાનો મૂકી શકાય ? એમણે વધુમાં જણાવ્યું કે, સંસદે આર.પી.એક્ટની કલમ ૧ર૬માં સુધારો ર૦૦૮માં કર્યો હતો. સરકારે એક્ઝિટપોલ ઉપર પ્રતિબંધ મૂકયો હતો. જ્યારે મતદારો મત આપીને બહાર આવી રહ્યા હોય. ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી હોય તો એ કયા આધારે ઝડપી જાહેરાત કરી શકે. હાલમાં ગુજરાતમાં થયેલ ચૂંટણીઓમાં એક્ઝિટપોલ જાહેર કરનાર બધી જ એજન્સીઓ અને ચેનલો ભાજપની સ્પષ્ટ જીત દર્શાવી રહ્યા છે. એ સાથે હિમાચલમાં પણ ભાજપની સ્પષ્ટ બહુમતી દર્શાવે છે. ગુજરાતમાં ભાજપની સ્પષ્ટ જીત દર્શાવવાથી ઘણા બધા લોકોને આશ્ચર્ય થયું છે કારણ કે આ વખતે લોકજુવાળ ભાજપ વિરૂદ્ધ દેખાઈ રહ્યો હતો એવા સમયે બધી જ ચેનલો ચૂંટણી પરિણામ આવતા પહેલાં જ જીત દર્શાવે એનાથી વિપક્ષોની માન્યતાને પુષ્ટિ મળે છે કે આ ઈવીએમનો જ જાદુ હોવો જોઈએ. જનતાના રિપોર્ટરે માહિતી આપી છે કે, ઈવીએમ સાથે કઈ રીતે છેડછાડ કરી શકાય છે, એ બાબત ચૂંટણી પંચને પણ પ્રોગ્રામ કોડની ખબર નથી જેના દ્વારા ચિપ્સ સાથે છેડછાડ કરી વિદેશી કંપનીઓ કોઈ ખાસ પક્ષને લાભ કરાવવા કાર્ય કરી રહી છે.