(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા પતિ સહિત સાસરિયાઓએ બેડરૂમમાં કેમેરા મૂકી ખરાબ મેસેજ ફેસબુક ઉપર વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અઠવાલાઈન્સ આરોગ્ય નગરમાં રહેતાં આકાર મહેન્દ્રસિંહ ચાવડા, મહેન્દ્રભાઈ બાબુસિંહ ચાવડા, પ્રતિમાબેન મહેન્દ્રસિંહ વિરૂદ્ધ પરિણીતાએ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓએ એક સંપ થઈને ફરિયાદીને ઘરના કામ બાબતે અવાર-નવાર મહેણા-ટોણા મારતા હતા અને બેડરૂમમાં કેમેરા મૂકી ફરિયાદી વિશે ફેસબુક ઉપર ખરાબ મેસેજ વાયરલ કરવાની ધમકી આપી હતી. પતિ આકાર ચાવડાએ ફરિયાદીને ઢીક મુક્કીનો માર-મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉમરા પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.