સુરત,તા.૩
સુરત શહેરમાં બે સ્થળે આગના બનાવ બનવા પામેલ છે. જેમાં ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે બીજો બનાવ શહેરના મોરાભાગળ નજીક પેટ્રોલપંપ પર બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન સામે એક પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં શોર્ટ સર્કિટ બાદ લાગી આગ ફાટી નીકળતા બે માળ આગની લપેટમાં આવી ગયા હતા. મોડી રાત્રે લાગેલી આગની જાણ બાદ કારીગરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ માનદરવાજા, ડુંભાલ અને ડિંડોલી ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. મીટર પેટીમાં થયેલી શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગ વધુ ઉગ્ર બને એ પહેલાં ફાયરના જવાનોએ આગને કાબુમાં લઇ લીધી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાય ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફલોર સાથે બે માળ અને ત્રીજા માળે બનાવેલા પતરાંના સેડવાળા ઘરની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હોવાની માહિતી મળી હતી. ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. જોકે, આગમાં પ્લાસ્ટિકના દાણા, ૩ મોલ્ડીંગ મશીન સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
જ્યારે બીજો બનાવ શહેરના મોરા ભાગળ નજીક પેટ્રોલ પંપ પર એક હીરો હોન્ડા સ્પલેન્ડર બાઇક ચાલક પંપ પર પેટ્રોલ ભરાવી રહ્યો હતો. અચાનક બાઇકની ટાંકી ઉપર આગ ભભૂકી ઉઠતા પંપનો કર્મચારી અને બાઇક સવાર ડરના મારે બુમાબુમ કરવા માંડ્‌યા હતા. જેને લઈ પંપના બીજા કર્મચારીઓ તાત્કાલિક ફાયર સુવિધાના સાધનો લઈ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર ઇન્સ્ટીગ્યુટર વડે આગને કાબુમાં લઈ લીધી હતી. જોકે, ઘટનાને નજરે જોનારા તમામ વાહન ચાલકો પોત પોતાના વાહનો છોડી પંપથી દૂર ચાલી ગયા હતા અને આગ કાબુમાં આવ્યા બાદ વાહનો લેવા આવ્યા હતા. આખી ઘટના પંપના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વાહન ચાલકોએ બહાદુર પંપના કર્મચારીઓને તાળીઓથી વધાવી આભાર વ્યક્ત કર્યો હતો. પેટ્રોલ પંપ પર ફાયર સુવિધાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.