(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ નજીકની અજંટા ઈન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાપડમાં પ્રસરી જતાં આસપાસ ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ યુનિટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા આકરા પગલાં લઈને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.
વરાછા ઉમિયાધામ પાસે આવેલી અજંટા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્લોટ નં.૧૪૪ એ-બીમાં અશોકભાઈની માલિકીનું ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન આવેલું છે. જેમાં ધવલભાઈ નામના કારખાનેદાર ભાડા પર ખાતુ ચલાવે છે. મંગળવારે સવારે અચાનક જ ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે કારખાનામાં હાજર કારીગરો ભાગીને બહાર દોડી આવ્યા હતા. આગ વધુ પ્રસરતા આજુબાજુના કારખાનેદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડના જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમો સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ ત્રણ બાજુથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફલોરમાં જ્યાં આગ લાગી ત્યાં કોઈ જ જાતના ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નહોતા. સાથે જ સાંકડી જગ્યા હોવાથી ગાડીઓને ઘટનાસ્થળે પહોંચતા થોડી અડચણો નડી હતી. આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. કારખાનામાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી ફાયર વિભાગે આખું યુનિટ સીલ કરી દીધું છે. આગના કારણે કારખાનામાં ગ્રે કાપડનો જથ્થો, ફર્નિચર, વાયરીંગ વગેરે મળીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
અજંટા ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી ભીષણ આગ : ફાયર સેફ્ટી સુવિધા ન હોવાથી કારખાનું સીલ

Recent Comments