જોહાનીસબર્ગ,તા.૧૭
દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસીસે બધા ફોર્મેટમાં કપ્તાની છોડી દીધી છે. તેણે સોમવારે જોહાનેસબર્ગમાં આ અંગે જાહેરાત કરી હતી. ડુ પ્લેસીસને ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તે સીરિઝમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને ૨-૧થી હરાવ્યું હતું. તેમજ ડુ પ્લેસીસે ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝમાં ડી કોકને કપ્તાની સોંપી હતી. સીરિઝ ૧-૧થી બરાબર રહી હતી. ડુ પ્લેસીસે કહ્યું, “મેં દક્ષિણ આફ્રિકાને એક નવા યુગની શરૂઆત કરવામાં મદદ માટે આ નિર્ણય લીધો છે.
તેની કપ્તાનીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઇંગ્લેન્ડ સામે ગઈ સીરિઝ ૧-૩ હારી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ ૧૧૨ મેચમાં દક્ષિણ આફ્રિકાની કપ્તાની કરી હતી. તે દરમિયાન પ્રોટિયાસને ૬૯ મેચમાં જીત મળી હતી. તેના હેઠળ ટીમ ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી શકી નહોતી. તે સાથે જ ટીમે છેલ્લી ૮માંથી ૭ ટેસ્ટમાં હારનો સામનો કર્યો હતો.
ડુ પ્લેસીસે એક નિવેદનમાં કહ્યું કે, “મને બાકીની સીઝનમાં ટેસ્ટ અને ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમની કપ્તાની કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ ક્યારેક કપ્તાને પોતાનો ફાયદો ન જોવો જોઈએ. હું સ્વસ્થ અને ફિટ છું. બેટ્‌સમેન અને સીનિયર ખેલાડી તરીકે ટીમની મદદ કરવા માંગુ છું. હું નવા લીડરશિપ ગ્રુપને સલાહ આપીશ અને ટીમના પ્લાનિંગનો ભાગ રહીશ.”