(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૧
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પણ મીઠાઇના વિક્રેતાઓ પર દરોડા યથાવત રાખ્યા છે. જેમાં પાંચ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા છે. જેથી મીઠાઇના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે.
ગતરોજ ભાગળ વિસ્તારમાં ૧૦ જેટલા મીઠાઈના વિક્રેતાઓ પર દરોડા પાડી નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે આજે સેન્ટ્રલ, વરાછા, કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં મીઠાઈના વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગના ચિફ ફૂડ ઓફિસર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, માવાના મોટા વેપારીઓને ત્યાં દરોડાઓને પગલે અન્ય નાના વેપારીઓમાં જ્યાં મિલાવટને અવકાશ હોય છે. તેઓમાં ડર ફેલાતાં ઉતરતી કક્ષાનો માવો વેચાણ કરતાં અટકશે. નમૂનાઓ લઈ સીલ કરી પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલવામાં આવશે. તેનો રિપોર્ટ આગામી ૧૪-૧૫ દિવસે આવશે ત્યારે જાણ થશે કે માવા ઉતરતી કક્ષાના કે મિલાવટ છે કે કેમ? જો ગેરરીતિ મળશે ત્યારે કોર્ટ કેસ કરવામાં આવશે .