(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૯
સમગ્ર ભારતની શાન ગણાતા એશિયાઈ સિંહનું ચોટીલા વિસ્તારમાં આગમન થયું છે. જેની માહિતી મળતા સુરેન્દ્રનગર વન વિભાગના કર્મચારીઓ ચોટીલા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાં તાત્કાલિક પહોંચી ગયા હતા. ત્યારબાદ વન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ આવેલ હોવાની વાતને સત્તાવાર રીતે સમર્થન આપેલ છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગ સુરેન્દ્રનગરે ગ્રામજનોને સંયમની અપીલ કરી છે. તો બીજી બાજુ ઝાલાવાડમાં ર૦૦ વર્ષ આવેલા સિંહોએ મારણ શરૂ કર્યાનું જાણવા મળે છે. આ સિંહોની સંખ્યા એક છે કે, ત્રણ તે-તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. એમ વર્તુળો જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ અને ભાવનગરના ઘણા બધા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે. ત્યાં નીલગાય અને ભૂંડોની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી. ભારતની શાન ગણાતા એશિયાઈ સિંહનું ચોટીલા વિસ્તારમાં આગમન થયાની વાતને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે ઢેઢુકી ગામે સિંહ હોવાની વાતને વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલા તાલુકાના ઢેઢુકી ગામે બે દિવસથી એક સિંહે દેખા દેતા અને કોઈએ વીડિયો વાયરલ કરતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. બે દિવસ પહેલા જ જસદણ પંથકમાં મારણ કરેલ હતું જ્યારે આજે ચોટીલા તાલુકામાં હોવાના વાવડ મળેલ છે.
આમ તો ૨૦૦ વર્ષ પહેલાં માંડવ વિસ્તારમાં સિંહની વસ્તી હોવાના પુરાવા ઈતિહાસમાં મળે છે એ પછી હાલ સિંહ જોવા મળતા લોકોમાં ઉત્સુકતા ફેલાઈ છે.