(ફિરોઝ મનસુરી)
અમદાવાદ,તા.૧૮
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વકીલોના સમારંભમાં જુઠ્ઠો ઈતિહાસ જણાવ્યો હોવાની બાબત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં ૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરોધમાં નવનિર્માણ આંદોલન થયું હતું. નવનિર્માણ આંદોલન થકી ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં આવી હતી. આ આંદોલનમાં રાજયના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો જોડાયા હતા. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વકીલોના એક સમારંભમાં કહ્યું કે નવનિર્માણ આંદોલન આઝાદી વખતે થયું હતું. જેમાં ગાંધીજી અને સરદાર પટેલે આગેવાની લીધી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. એટલે રાજયના મુખ્યમંત્રી ઈતિહાસથી અજાણ છે કે, પછી ઈતિહાસ બતાવવામાં લોથ મારી કે કેમ ?
સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતાનો સન્માન સમારોહ તા.૧૬ ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાર કાઉન્સિલ ગુજરાતના ચેરમેન દિપેન દવે, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, વકીલો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ અંગે ગુજરાત સરકારના માહિતી ખાતાએ મુખ્યમંત્રીના પ્રવચન અંગે એક અખબારી યાદી જાહેર કરી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આઝાદી વખતે ગાંધીજી અને સરદાર પટેલે ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન દ્વારા તથા સામાજિક આધ્યાત્મિક ક્ષેત્રે ગુજરાતે જે રીતે નેતૃત્વ લીધુ હતું તે રીતે હવે કાયદા ક્ષેત્રે પણ ગુજરાત દેશને દિશા-દર્શન કરશે. એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જો કે ખરેખરમાં નવનિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાકિય સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજિક રાજકીય ચળવળ હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવનિર્માણ આંદોલન ગાંધીજી અને સરદાર પટેલે કર્યું હોવાનું કહીને ઈતિહાસ જ જાણે બદલી નાખ્યો છે ? કે પછી ઈતિહાસ જણાવવામાં મુખ્યમંત્રીએ ભાંગરો વાટયો છે ?

નવનિર્માણ આંદોલન કેમ અને ક્યારે થયું ?

જુલાઈ ૧૯૭૩માં ઘનશ્યામ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો. ત્યારે તા.ર૦ ડિસેમ્બર ૧૯૭૩ના દિવસે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ર૦ ટકાનો વધારો થવાથી હડતાળ પર ઉતરી આવ્યા હતા. આ પ્રકારની હડતાળ તા.૩ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઈ જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઈ. જેથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા. શૈક્ષણિક સંસ્થાઓમાં તા.૭ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થઈ તેમની માગણી ભોજન અને શિક્ષણ સંબંધી હતી. વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી જે પાછળથી નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઈ. આંદોલનકારીઓએ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના રાજીનામાની માગ કરી આંદોલનના દબાણને કારણે ઈન્દિરા ગાંધીએ ચીમનભાઈ પટેલને રાજીનામું આપવા કહ્યું અને ચીમનભાઈ પટેલે રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે ૩ હજાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને આઠ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
૧૯૭૪માં થયેલુ નવનિર્માણ આંદોલન આઝાદી પછી ભારતના ઈતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું.
(માહિતીનો સ્ત્રોત : વીકી પીડિયા)