(એજન્સી) તા.૭
મહિલાઓ વિશે વિવાદાસ્પદ વિધાન આપીને ભીંસમાં આવી ગયેલા ભાજપના વિધાનસભ્ય રામ કદમ ફરી વિવાદમાં ફસાયા છે. આ વખતે સોનાલી બેન્દ્ર બાબતે વિવાસ્પદ ટિ્‌વટ કરતાં વિવાદમાં સપડાયા છે, જે પછી ટ્રોલ થતાં તેમને માફી માગવાનો વારો આવ્યો હતો. અભિનેત્રી સોનાલી બેન્દ્રના નિધન બાબતે ટિ્‌વટ કરીને કદમે ટિ્‌વટર પરથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જોકે આ ગંભીર ભૂલ થઈ ગઈ છે એવું ધ્યાનમાં આવતાં જ તેમણે ટ્‌વીટ ડિલીટ કરી નાખ્યું ને બીજું ટ્‌વીટ કરીને ખુલાસો કરવો પડ્યો. સોનાલી બેન્દ્ર હાલમાં હાઈ- ગ્રેડ કેન્સરના ઉપચાર માટે અમેરિકામાં સારવાર લઈ રહી છે. તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, જે અંગે સોશિયલ મિડિયા પર તે નવા નવા ફોટો અપલોડ કરી રહી છે. બે દિવસ પૂર્વે તેણે પોતાનો નવો લૂક શેર કર્યો હતો. ચાહકો તેને માટે પ્રાર્થના કરી રહ્યા છે. આવા સંજોગોમાં મહિલાઓ વિશે વિવાદાસ્પદ વિધાન કરીને ભીંસમાં આવેલા કદમે શુક્રવારે સોનાલીનું નિધન થયું હોવાનું ટ્‌વીટ કર્યું. આથી તેમની ભારે ટીકા થઈ હતી. કદમને આ ભૂલ ધ્યાનમાં આવતાં જ ટ્‌વીટ તત્કાળ ડિલીટ કરી નાખ્યું. આ પછી તેમણે બીજું ટ્‌વીટ કર્યું. સોનાલીના નિધન વિશે બે દિવસથી અફવાઓ ફેલાઈ રહી છે. તેની તબિયત વહેલી તકે સારી થાય તે માટે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું, એવું તેણે ટ્‌વીટમાં જણાવ્યું છે.