(એજન્સી) તા.૧પ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત પછી સોશિયલ મીડિયામાં આપ સાથે સંકળાયેલા અનેક બનાવટી મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવું જ એક મેસેજ આપના ધારાસભ્ય અમાનતુલ્લાખાનના નામથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી અમાનતુલ્લાખાને ટ્‌વીટ કર્યું હતું કે, આજે શાહીનબાગ જીત્યું, આજે અમારું ઈસ્લામ જીત્યું. પરંતુ આ મેસેજની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તે ઉપજાવી કાઢેલો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ મેસેજને શેર કરી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે મતગણતરીના ૧૩ રાઉન્ડ પૂરા થયા પછી ૭ર,૦૦૦ મતોથી આગળ છું. આજે શાહીનબાગ જીત્યું, આજે અમારું ઈસ્લામ જીત્યું, ઈન્શાઅલ્લાહ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ઈસ્લામની જીત થશે. મારા બધા જ મુસ્લિમ ભાઈ-બહેનોનો આભાર બધા એ એકજૂથ થઈ તાકાતનો પરચો આપી દીધો. એકજૂથ રહેજો. આપણે ઈતિહાસનું પુનરાવર્તન કરીશું. પરંતુ જ્યારે આ ટ્‌વીટ અંગે તપાસ કરવામાં આવી ત્યારે સાબિત થયું કે તે બનાવટી છે. અમાનતુલ્લાખાને વાસ્તવમાં ટ્‌વીટ કર્યું હતું કે, ૧૩ રાઉન્ડ પૂરા થયા પછી ૭ર,૦૦૦ મતોથી આગળ છું. આમ અમાનતુલ્લાખાનના આ ટ્‌વીટની સાથે ઉશ્કેરણીજનક લાઈનો જોડી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું.