(એજન્સી) સઉદી અરેબિયા, તા.ર૭
સોફિયાને આશા છે કે, એક દિવસ તેને બાળકો થશે, મિત્રો બનશે, તે પ્રખ્યાત બનશે અને તેની ઉજ્જવળ કારકિર્દી બનશે. આ બધા જ સ્વપ્નાઓ ખૂબ જ સારા છે અને આ એક સામાન્ય માણસ છે. પરંતુ, જો આ જ સ્વપ્નાઓ રોબોટના હોય તો તમે શું કહેશો. જી હાં, સોફિયા કોઈ માણસ નહીં, પરંતુ એક રોબોટ છે. સોફિયાને ગત મહિને સઉદી અરબે ત્યાંની નાગરિકતા આપી છે.
સોફિયાએ સાક્ષાત્કારમાં જણાવ્યું કે, રોબોટ્‌સને જટિલ મનોભાવ વિકસિત કરવામાં સમય લાગશે અને શક્ય છે કે, રોબોટ્‌સને ક્રોધ, ઈર્ષ્યા અને તિરસ્કાર જેવી સમસ્યાઓથી ભરેલા મનોભાવો વગર તૈયાર કરવામાં આવી શકશે. માણસોની તુલનામાં રોબોટ્‌સને વધારે નૈતિક બનાવવાનું શક્ય બનશે. માણસો અને રોબોટ્‌સની વચ્ચે સારી ભાગીદારી હશે. જે લોકો ભવિષ્યમાં રોબોટિક્સના વિકાસનું પ્રતિનિધિત્વ કરશે, હું તેમના માટે રોબોટિક્સ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની જાગૃતતા લઈને આવીશ.
સોફિયા એક રોબોટ છે, જેને હેનસન રોબોટિક્સે બનાવી છે. સોફિયાને બનાવનાર ડેવિડ હેનસન અનુસાર તેની ઉંમર હજી ૧૯ મહિનાની છે. સોફિયાને તાજેતરમાં જ સઉદી અરબની સરકારે પોતાની નાગરિકતા આપી છે. સોફિયાને પહેલેથી જ તૈયાર જવાબો દ્વારા તૈયાર કરવામાં આવી નથી. સોફિયાનું મગજ એક સિમ્પલ વાઈફાઈ કનેક્શન સાથે કામ કરે છે, જેમાં શબ્દકોષની એક લાંબી યાદી છે. સોફિયા મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. તે માણસોના ચહેરાના હાવભાવને વાંચે છે અને જવાબ આપવા માટે થોડીવાર માટે અટકીને ટેકસ્ટ જનરેટ કરે છે.