અમદાવાદ, તા.૧
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગુજરાતના દક્ષિણ ગુજરાત પ્રવાસ દરમિયાન ભરૂચના કંથારિયામાં યોજાયેલા રોડ-શોમાં એક યુવતી રાહુલ ગાંધીના રથ પર ચડી ગઈ હતી અને સેલ્ફી ખેંચી હતી. આ યુવતી નહિં પણ કિશોરી છે. ભરૂચની ડીપીએસ સ્કૂલમાં ધોરણ ૧૦મા અભ્યાસ કરે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ભરૂચમાં રોડ-શો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાહુલના રથ પર યુવતી કેવી રીતે ચડી ગઈ તે કોણ હતી તે વિશે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી બુધવારે ભરૂચમાં રોડ-શો કરી રહ્યા હતા તે દરમિયાન ભારે ભીડ ઉમટી પડી હતી. જેમાં ભરૂચના રોયલ પાર્કમાં રહેતી અને દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧૦મા અભ્યાસ કરતી મંતશા ઇબ્રાહિમ શેખ નામની કિશોરી પણ પોતાના પિતાની મંજૂરી લઇને ગઈ હતી તે રાહુલ ગાંધીની ઝલક મેળવવા દોડાદોડી કરતી હતી. રોડ-શો દરમિયાન રાહુલ ગાંધીના કાફલા સાથે પાછળ દોડતી હતી. રોડ શો દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પાસે રાહુલ ગાંધી અને મંતશાની નજર એક થઇ હતી. રાહુલ ગાંધીએ ફ્લાઇંગ કિસ આપી તે તરફ બુકે ફેંક્યો હતો. ત્યાર પછી રાહુલ ગાંધીની આ જબરી ફેન પણ કાફલો આગળ વધતો ગયો તેમ તેમ કાફલા પાછળ સતત જોડાયેલી રહી. કાફલો જ્યારે ભરૂચના કસક ગરનાળા પાસે પહોંચ્યો ત્યારે ફરી એક વખત બંનેની નજર એક થઇ હતી. રાહુલ ગાંધી તે પછી આગળ વધી ગયા હતા પણ તે પછી ભરૂચના ફરી એક વખત ચિતલ સર્કલ પાસે મંતશાએ રાહુલ ગાંધીનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યા હતા. નજર એક થતાં હાથમાં મોબાઇલ લઇ રાહુલ ગાંધી તરફ સેલ્ફી લેવાનો ઇશારો કર્યો હતો. સતત કાફલા સાથે દોડી રહેલી અને એક સેલ્ફી ખેંચવા માંગતી આ કિશોરીની જીદ સામે રાહુલે કાફલો અટકાવ્યો હતો અને પોતાના કમાન્ડોને તે યુવતીને આવવા દેવા જણાવ્યું હતું. ગ્રીન સિગ્નલ મળતાં જ કિશોરી દોડી ગઈ હતી. રાહુલ ગાંધીએ તેના કમાન્ડોને કહ્યું હતું કે, ઉસે આને દો અને હાથનો ઇસારો કરી મંતશાને ગાડી પર બોલાવી હતી. ત્યાર બાદ મંતશાએ ગાડી પર જઈને રાહુલ ગાંધી સાથે સેલ્ફી ખેંચી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.