(એજન્સી) ભુવનેશ્વર, તા. ૪
દેશના પૂર્વના ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ચક્રવાતી તોફાન ફાનીના કહેરને પગલે ઓરિસ્સામાં ૧૨ લોકોના મોત થયા છે જ્યારે તોફાને દિશા બદલી પશ્ચિમ બંગાળ તરફ પ્રયાણ કર્યું હતું. સરકાર હજુ મોતના તથા નુકસાનની ગણતરી કરી રહી છે પણ દિવાલો પડવા અથવા વૃક્ષોની દબાઇને કુલ ૧૨ લોકનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ૧૨માંથી ચાર લોકો મયુરભંજ જિલ્લામાં આવેલા બારિપાડામાં મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત જાજપુરમાં ત્રણ, કેન્દ્રપાડામાં બે તથા બાલાસોર-પુરીમાં એક-એક મોત થયા હતા. આ પહેલા પણ ઓરિસ્સામાં આવેલા ભારે વાવાઝોડાના પગલે પુરી અને ભુવનેશ્વરમાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી.
ભુવનેશ્વરમાં ભારે વરસાદ અને શક્તિશાળી તોફાની પવનોને પગલે ઘણા ભાગોમાં વીજળી, ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા ખોરવાઇ હતી અને માત્ર ભુવનેશ્વરમાં જ ૧૦ લાઇટના થાંભલા પડી ગયા હતા. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ભુવનેશ્વર અને કટકમાં વાવાઝોડાને પગલે માત્ર ૨૫ ટકા ભાગોમાં જ વીજળી ચાલુ રહી હતી. પણ પુરીમાં જનજીવન થાળે પાડવામાં હજુ સમય લાગશે. સરકાર હાલ હોસ્પિટલ, ટેલિફોન અને અન્ય ઇમરજન્સી સેવાઓ શરૂ કરવા પર મુખ્ય ધ્યાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થિતિનો તાગ મેળવવા માટે ૬મેએ ઓરિસ્સા જશે. તેમણે વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર તરફથી મદદ મોકલતા રહેવાનું આશ્વાસન આપ્યું હતું. મોદીએ બાદમાં ટિ્વટ કરીને કહ્યું હતું કે, તોફાન ફાનીને કારણે બગડેલી સ્થિતિ અંગે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી.કેન્દ્ર સરકારતરફથી તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. વિવિધ ભાગોમાં અસગ્રસ્ત તમામ લોકો સાથે દેશ ઉભો છે. અત્યંત ભયાનક તોફાન ઓરિસ્સાના કાંઠા પર આવેલું તોફાન કેટલાક કલાકોમાં નબળું પડ્યું હતું જોકે, તેના કારણે છાપરા ઉડી ગયા હતા અને કાચા મકાનો ધ્વસ્ત થયા હતા, અનેક વૃક્ષો ઉખડી ગયા હતા. ઓરિસ્સાના કાંઠાના ભાગમાં લાઇટના થાંભલા અને મોબાઇલ ટાવરો ધ્વસ્ત થયા હતા જેમાં મંદિરોની નગરી પુરીમાં ભારે નુકસાન થયું હતું. મુખ્યમંત્રી પટનાયકે પણ શુક્રવારે સાંજે સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કહ્યું હતું કે, પુરીમાં ભારે નુકસાન થયું છે. ઇમરજન્સી માળખું સંપૂર્ણ રીતે તબાહ થયું છે જ્યારે વીજ પુરવઠો ફરી શરૂ કરવાનો મોટો પડકાર છે. વીજ પુરવઠો શરૂ કરવા માટે સેંકડો એન્જિનિયરો અને કારીગરો કામે લાગ્યા છે.
ફાની તોફાન : તોફાની પવનો, અવિરત વરસાદને પગલે ઓરિસ્સામાં ભારે ખાનાખરાબી, ૧૨નાં મોત

Recent Comments