(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
વર્ષ ૨૦૧૪ બાદ સૌથી ભયાનક વાવાઝોડા ફાનીના ભારતીય પૂર્વના રાજ્યોના દરિયા કાંઠાના વિસ્તારોને ધમરોળવાના સંકેત બાદ ભારતે એક ૧૦ લાખથી વધુ લોકોને સરક્ષિત સ્થળે ખસેડ્યા છે. તોફાનની તીવ્રતાને ધ્યાનમાં રાખી ૧૧ જિલ્લાઓમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે વાવાઝોડું ફાની પૂર્વના કાંઠાના રાજ્યોમાં ત્રાટકશે જેની ઝડપ આશરે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક(આશરે ૧૨૪ માઇલ પ્રતિ કલાક) હશે. સરકારી નિવેદન અનુસાર નેવી અને કોસ્ટગાર્ડે બચાવ અને રાહત કામગીરી માટે શિપ્સ અને હેલિકોપ્ટર્સ ગોઠવી દીધા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતુંકે, પૂર્વના રાજ્યોમાં જતી એલર્ટ જાહેર કરીને તમામ ફ્લાઇટો રદ કરવાની સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ સંદેશ ભારતમાં પોતાના ૧૦૦થી વધુ એરપોર્ટ પર મોકલી દીધો છે. પ્રભુએ જણાવ્યું હતું કે, ફાની વાવાઝોડાને કારણે રાહત અને બચાવ ઓપરેશન માટે તમામ એરલાઇન્સને સૂચનાઓની આપ-લે કરવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, તમામ રાહત સામગ્રી હવાઇ માર્ગે પહોંચાડવામાં આવશે. ઓડિશામાં દર વર્ષે કોઇને કોઇ વાવાઝોડાનો સામનો કરવાનો વારો આવે છે જ્યારે તેના કારણે ખેતીને નુુકસાન, વૃક્ષો પડી જવા, મકાનોમાં કાદવ ઘૂસી જવું, વિજળી ડૂલ થવી અને જીવન જરૂરી ચીજોની અછતનો સામનો કરવાનો વારો આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં વર્ષ ૧૯૯માં સૌથી વધુ વિકરાળ તોફાન આવ્યું હતું જેમાં ૧૦,૦૦૦ લોકો મોતને ભેટ્યા હતા. તોફાનને પગલે ભારે વરસાદ પડવાને કારણે કેટલાક રાજ્યો દેશથી વિખૂટા પડે તેવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત અને બચાવકાર્યની તૈયારીઓ જોવા માટે ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી વાવાઝોડાની ગંભીરતા અંગે સમીક્ષા કરી હતી. ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી બે દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. આગામી દિવસોમાં આ ત્રણેય રાજ્યોના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ ખાતેના દરિયા કાંઠે ચાલતા ઓનસીજી સહિતના તમામ પ્રોજેક્ટ હંગામી ધોરણે બંધ કરી ત્યાં કામ કરતા લોોકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડા ફોનીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ફોની તોફાનના કારણે અત્યાર સુધી ૧૦૩ ટ્રેન રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં ફોની તોફાનની અસર દેખાવવાની શરુઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા ૧૯ જિલ્લા પર પડશે. ઉપરાંત સેનાને એલર્ટ રાખવામાં આવી છે. ફોની શુક્રવારે પુરીના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવાઝોડુ દરિયા કાંઠે ટકરાય તે પહેલા ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. ફાની ચક્રવાતને ધ્યાનમાં રાખી ઓડિશાના બધા ડોક્ટર અને હેલ્થ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને પણ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આ તોફાનની અસર પડવાની સંભાવના છે. ૩ મે ના રોજ બધા તટીય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના સીએમ નવિન પટનાયકે આ દરમિયાન લોકોને સર્તક રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક ભાગમાં યલો તો કેટલાક ભાગમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. ઓડિશાના સમુદ્રકાંઠામાં વસતા આઠ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઓડિશામાં ૮૭૯ આશ્રય સ્થળો તૈયાર કરવામાં આવી ચૂક્યાં છે. આ ઉપરાંત લોકોને આશ્રય આપવા માટે શાળા-કોલેજોની ઈમારતોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવેએ પણ એલર્ટ જારી કર્યું છે. તકેદારીનાં પગલાંરૂપે સમુદ્રકાંઠાના વિસ્તારમાંથી પસાર થતી ૨૨ ટ્રેન રદ કરી દેવામાં આવી છે અને આ રીતે અત્યાર સુધીમાં ૧૦૩ ટ્રેન રદ કરાઈ છે. ભારતીય હવામાન વિભાગે ફેની ચક્રવાતને લઈ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં ફેની ચક્રવાતના કારણે ભારે તારાજી અને તબાહી દર્શાવવાની દહેશત વ્યક્ત કરી છે. માછીમારોને ૧ થી ૫ મે સુધી દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણીપંચે ઓડિશાના ૧૧ જિલ્લામાં રાહત અને બચાવકાર્યમાં ઝડપ લાવવાના હેતુથી ચૂંટણી આચારસંહિતા પાછી ખેંચી લીધી છે.