નવી દિલ્હી,તા.૨૧
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલના કવર પેજ પર જગ્યા આપી છે. આ જોઈને ધોનીના ફેન્સ ખુબ ખુશ છે. લોકોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી અને આઈસીસીના આ પગલાની પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે, ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. અંતિમ વન-ડેમાં અણનમ ૮૭ રન ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.
ટ્‌વીટર પર ધોનીના એક ફેન સાહિલે લખ્યું, તમે ભલે તેને પ્રેમ કરો કે ન કરો પરંતુ તેને નજરઅંદાજ ન કરી શકો. એક બીજી ફેને લખ્યું કે, આ આઈસીસીનો સૌથી સારો કવર ફોટો છે. એક ફેને લખ્યું કે આઈસીસીના પેજ પર આ તસ્વીર જોઈને ગર્વનો અનુભવ થાય છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝમાં ધોનીએ કુલ ૧૯૩ રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધી ૩૩૫ વન-ડે મેચ રમી છે. હાલમાં તે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. વન-ડેમાં ધોનીની એવરેજ ૫૦ની છે અને તેણે સૌથી વધુ ૧૮૩ રન બનાવ્યા છે. તેણે એક દિવસીમાં ૧૦ સદી અને ૭૦ અડધી સદી ફટકારી છે. ૧૧૭ સ્ટંપિંગ અને ૩૧૧ કેચ પણ તેના રેકોર્ડમાં છે.