(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨
ગુજરાતમાં તાજેતરના દિવસોમાં સુરત, રાજકોટ અને વડોદરામાં સગીર બાળકીઓ પર બળાત્કારના બનેલા બનાવોએ રાજ્યભરમાં રોષની લાગણી ફેલાવવા સાથે તેના ઘેરા પ્રત્યાઘાતો પણ ઊઠી રહ્યા છે, ત્યારે સરકારી તંત્ર હવે હરકતમાં આવ્યું છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ આજે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બનાવોમાં કોઈપણ ચમરબંધીને સરકાર છોડશે નહીં, દુષ્કર્મના આ બનાવોની તપાસ યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે અને આ કેસો ફાસ્ટ ટ્રેક મોડ પર ચલાવવા તથા આરોપીઓને ફાંસીની સજા આપવા ભલામણ કરાશે. ભોગ બનનારને સહાયરૂપ થવા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) આપવામાં આવશે, તેમજ પેરવી ઓફિસરની સેવાઓ પણ અપાશે. મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સુરત અને રાજકોટનાં દુષ્કર્મમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વડોદરાના ગુનામાં આરોપીઓ ઝડપાયા નથી તેમને ઝડપવા માટે કામગીરી ચાલી રહી છે. વડોદરાનાં કિસ્સામાં ૨ર જુદી જુદી ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. આરોપીના પ૦થી વધુ સ્કેચ તૈયાર કરી તેને પકડવા ઈનામ પણ જાહેર કરાયું છે. ત્રણેય ઘટનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગને કામે લગાડ્યું છે. ત્રણેય કેસમાં સ્પેશ્યલ પ્રોસિક્યુટરની નિમણુંક કરવામાં આવશે. ત્રણેય કેસોની ચાર્જશીટ ઝડપથી થાય અને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. આ ત્રણેય ઘટનાઓમાં બાળકીઓ સગીર હોવાથી પોક્સો એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કન્વીક્શન મહત્તમ રહે એટલે કે ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરાશે. બળાત્કારનો ભોગ બનેલી દીકરીઓને વિક્ટીમ કમ્પૅન્શેશન એક્ટ હેઠળ આર્થિક સહાય મળી રહે તેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. સરકારે સંપૂર્ણ સંવેદના સાથે ગુજરાતની એક પણ દીકરી સાથે આવી ઘટના ન બને તે માટે તમામ એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ૧૮૧ અભયમ ટીમને પણ આ માટે સચેત કરવામાં આવી છે. અવાવરૂ સ્થાને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ગુડ ટચ તથા બેડ ટચ અંગે જાગૃતી લાવવાનાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, જનજાગૃતી લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત કોઇ પણ પરિવારમાં શોષણનાં કૃત્ય થતા હશે તો મારી અપીલ છે કે પોલીસનાં ધ્યાને લાવવામાં આવશે તો અમે ચોક્કસ તાત્કાલીક અસરથી પગલા લઇશું. નાની દીકરીઓ પરનાં બળાત્કારનો એમેન્ડેન્ટ એક્ટ લવાયો છે. સુરતનાં અઠવા લાઇન અને ડિંડોલીનાં આરોપીઓને અનુક્રમે ૨૦ વર્ષ અને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા અપાવવામાં સફળ રહ્યા. ડિંડોલી બળાત્કારનાં આરોપીને ફાંસીની સજા અપાવી છે. આ તમામ કેસમાં રાજ્ય સરકાર કોર્ટની મદદથી તપાસ ઝડપી કરીને તેમને મહત્તમ સજા મળે તેવા પ્રયાસો કર્યા છે. ક્રાઈમ રેકોર્ડના આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ બળાત્કાર વગેરેના ગુનાઓમાં ૧ર.૩પ ટકા જેટલો ઘટાડો થવા પામ્યો છે.