(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
સાબરકાંઠાના ઢુંઢર અને સુરતના દુષ્કર્મના કેસોએ રાજ્યભરમાં એક નવું આંદોલન શરૂ થઈ જવા પામ્યું છે. આરોપીઓને કડક સજાની માગ સાથે વિવિધ સ્થળે દેખાવોની સાથે તોડફોડ-મારામારી વગેરેના બનાવો બનતા રાજ્ય સરકાર હરકતમાં આવી જવા પામી છે. લોકોના રોષ અને લાગણીને લઈ ગુજરાત સરકારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી છે. આ સાથે સરકાર તરફથી કોંગ્રેસ સાથે જોડાયેલાઓ પરપ્રાંતિયો પર હુમલા કરાવાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પરપ્રાંતીય પર હુમલા મામલે ના.મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે પોલીસે તરત પગલાં લીધા છે. સુરતના બે અને હિંમતનગરના કેસમાં એકાદ મહિનામાં જ સજા મળી જશે. ગુજરાત સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી છે. તેમણે અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર કહ્યું કે કમનસીબે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા નેતા આ પ્રકારે આંદોલન ચલાવી પરપ્રાંતીયો પર હુમલા કરાવી રહ્યા છે. કોઈ એક વ્યક્તિના ગુના માટે દરેકને સજા આપી શકાય નહીં.
મહત્ત્વનું છે અમદાવાદ, પાટણ અને હિંમતનગર સહિતના પંથકમાં કામ કરતા પર પ્રાંતિય લોકો પર હુમલા થયા છે. જે અંગે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી અનેક લોકોની ધરપકડ કરી છે. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે ખુલાસા સાથે ઠાકોર સમાજ સાથે બેઠક યોજી હતી. અને પોલીસ ઠાકોર યુવાનોની ખોટી રીતે ધરપકડ કરી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સરકારને ૭૨ કલાકમાં ધરપકડ થયેલા લોકોને છોડી દેવાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. બીજી તરફ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આરોપીને ફાંસીની સજા આપવા તંત્રને આવેદનો આપવામાં આવ્યા છે. આ ઘટનામાં પહેલાથી કોંગ્રેસના સ્ન્છ અલ્પેશ ઠાકોર સંકળાયેલા છે. જેને લઈ ભાજપ કોંગ્રેસ સામે આક્ષેપો કરી રહ્યું છે. અને ભાજપે કહ્યું કે આ માનવતાને શર્મસાર કરનારી ઘટના છે. તેમ છતાં કોંગ્રેસ આવી બાબતે રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ આ ઘટના બાદ અનેક શહેરમાંથી પરપ્રાંતિયો પલાયન કરી રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં પર પ્રાંતિયો પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. અને તેમની સુરક્ષાને લઈ બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. ખાસ તો અન્ય રાજ્યમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ, બિહારથી આવતા શ્રમિકોની સુરક્ષાને લઈ ભાજપ માટે સવાલો ઉભા થયા છે. જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતા અહમદ પટેલે પીએમ મોદીને લખેલા પત્ર મામલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર પણ સિંહોના મોતની ગંભીરતાને સમજે છે. શરૂઆતમાં કેટલાક સિંહ ઇનફાઇટમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ વાયરસને કારણે મોત થયાનું સામે આવતા અમેરિકાથી રસી મંગાવાઈ છે. સરકાર આ મામલે ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે.